સ્ટડી : હર્ડ ઈમ્યૂનિટીની વાત ઘણી દૂર, કારણ કે કોરોના- ગ્રસ્ત દેશોમાં સંક્રમિતોની ટકાવારી હજુ સિંગલ ડિજિટમાં જ છે

0
0

બેઇજિંગ. કોરોના સામે લડવા માટે હર્ડ ઇમ્યૂનિટી કારગત હથિયાર મનાતું હતું પણ તાજેતરના સ્ટડીઝ મુજબ, કોરોના સામે ઝઝૂમી રહેલા દેશો માટે હર્ડ ઇમ્યૂનિટી હજુ બહુ દૂરની વાત છે, કેમ કે જે કોઇ દેશોમાં કોરોના ફેલાયો છે ત્યાં સંક્રમિતોની ટકાવારી સિંગલ ડિજિટમાં જ છે. હર્ડ ઇમ્યૂનિટી એ સ્તર હોય છે કે જે પછી વાઇરસ વ્યાપક રીતે નથી ફેલાતો. તેના કોઇ ચોક્કસ માપદંડ નથી પણ નિષ્ણાતોનું કહેવું છે કે તે માટે 60 ટકાથી વધુ લોકો સંક્રમિત થવા જરૂરી છે.

ચીનમાં હર્ડ ઇમ્યૂનિટી અંગે અભ્યાસ કરાયો પણ સારા પરિણામ નથી મળ્યા

ન્યુયોર્ક સ્ટેટ, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ, કાર્લોસ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અને સ્વીડનની પબ્લિક હેલ્થ એજન્સીએ આ અંગે ગહન અભ્યાસ કર્યો છે, જે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોની વાત કરીએ તો બચેલા લોકોમાં સંક્રમણનું હજુ પણ જોખમ છે. સ્વીડન અને બ્રિટને મર્યાદિત લૉકડાઉન રાખીને નાગરિકોમાં ઇમ્યૂનિટીનું સ્તર વધારવા પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં પણ 7થી 17 ટકા લોકો ઝપટમાં આવી ગયા. અમેરિકામાં ન્યુયોર્ક સૌથી વધુ અસરગ્રસ્ત છે. ત્યાં પણ મે મહિનાની શરૂઆતમાં 20 ટકા લોકો સંક્રમિત હતા. ચીનમાં પણ હર્ડ ઇમ્યૂનિટી અંગે અભ્યાસ કરાયો પણ સારા પરિણામ નથી મળ્યા. વુહાનની હોસ્પિટલોના એક સ્ટડીમાં જણાવાયું છે કે કામ પર પાછા ફરવા ઇચ્છુક 10 ટકા લોકો સંક્રમિત થઇ ગયા.

હાલ કોઇ પણ દેશ હર્ડ ઇમ્યૂનિટી સુધી પહોંચે તેવી શક્યતા નથી

હાર્વર્ડ યુનિ.ના એપિડેમિયોલોજિસ્ટ માઇકલ મિનાના કહેવા મુજબ, બધા અભ્યાસોથી એક વાત તો સ્પષ્ટ છે કે હાલ કોઇ પણ દેશ હર્ડ ઇમ્યૂનિટી સુધી પહોંચે તેવી શક્યતા નથી. કોરોના માટે થતા નવા ટેસ્ટમાં બ્લડમાં રહેલા એન્ટીબૉડી અને સંક્રમણ સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ દ્વારા તૈયાર પ્રોટીન ચકાસવામાં આવે છે. તેનાથી એ લોકો વિશે જાણી શકાય છે કે જેમનામાં સંક્રમણ તો છે પરંતુ લક્ષણો નથી દેખાતા. હાલ કોરોનાના આવા દર્દીઓને ઓળખવા એ જ સૌથી મોટો પડકાર છે.

કોરોનાની આગ બુઝાવવામાં ઇમ્યૂનિટી ફાયર બ્રિગેડ જેવી સાબિત થઇ શકે છે

વોશિંગ્ટન યુનિ.ના બાયોલોજીના પ્રોફેસર કાર્લ બર્ગસ્ટોર્મ કહે છે કે આ સ્ટડીઝને સંપૂર્ણપણે આધાર ન બનાવી શકાય પણ તેનાથી એ જરૂર જાણી શકાય કે કોરોના વાઇરસ વાસ્તવમાં કેટલો ફેલાઇ ચૂક્યો છે અને તેની ક્ષમતા કેટલી છે? હર્ડ ઇમ્યૂનિટીની લિમિટ બધે જુદી-જુદી હોઇ શકે છે, કેમ કે તે વસતીની ગીચતા અને સામાજિક સંપર્ક જેવા પરિબળો પણ પર આધાર રાખે છે. બની શકે કે કોરોનાને લઇને પણ લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી આવી જાય પણ એ કહી શકાય તેમ નથી કે તે બધા કેસમાં કેટલી કારગત રહેશે, કેટલી મજબૂત હશે અને ક્યાં સુધી રહેશે? ડૉ. મિનાનું કહેવું છે કે ઇમ્યૂનિટી આ બીમારીમાં ફાયર બ્રિગેડની જેમ કામ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here