કૃષિ સુધારણાં કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલી બિહારી વાજપેયીની જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લાઈવ દર્શાવતા જલંધરમાં ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. ખેડૂત સંગઠન કાર્યક્રમ વાળી દરેક જગ્યાએ પહોંચી ગયા હતા. પૂર્વ મંત્રી મનોરંજન કાલિયાના ઘરની સામે જલંધર કેન્ટમાં આવેલા પેલેસમાં ચાલી રહેલા કાર્યક્રમ અને ભાજપના શીતળાં માતાના મંદિર નજીક આવેલા કાર્યલાય પર વિરોધ-પ્રદર્શન કર્યા હતા.
પોલીસે પૂર્વમંત્રીના ઘરની બહાર અને જલંધર કેન્ટમાં ખેડૂતોને બેરિકેટ લગાવીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં ત્યાં ધક્કા મૂક્કી થઈ હતી. ત્યારપછી ખેડૂતો બેરિકેડ તોડીને આગળ વધ્યા હતા. ખેડૂતોને રોકવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન કાશ્મીર સિંહ સહિત બે ખેડૂતોની પાઘડી ઉતરી ગઈ હતી. હાલ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.
ખેડૂતોએ કહ્યું કે, એક બાજુ ખેડૂતો દિવસ રાત ઘર છોડીને ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે અને પંજાબના કેપ્ટન અમરિંદર સિંહની આગેવાનીમાં કોંગ્રેસ સરકાર ખેડૂતોના સમર્થનનો દાવો કરી રહી છે. તેમ છતાં કૃષિ સુધારના નામેકાયદો બનાવનાર કેન્દ્ર સરકાર અને પીએમ મોદીના કાર્યક્રમને સુરક્ષા આપી રહી છે. ખેડૂતોના કમિશ્નરેટ પોલીસ ડીસીપી બલકાર સિંહ અને ડીસીપી નરેશ ડોગરાની આગેવાનીમાં પોલીસ પર ધક્કા મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ શાંતિપૂર્ણ ધરણાં કરવા આવી રહ્યા હતા પરંતુ પોલીસે તેમની સાથે જબરજસ્તી કરી.
પોલીસ ન કરે ચમચાગીરી, આ ધર્મ નહીં ખેતી બચાવવાની લડાઈ છે
પોલીસના વર્તનથી ભડકેલા ખેડૂત સંગઠનના વડાએ કહ્યું કે, પોલીસે નેતાઓ અને ઓફિસરોની ચમચાગીરી ન કરવી જોઈએ. નવો કૃષિ સુધાર કાયદો લાગુ થશે તો તેની અસર બધા પર પડશે અને આવનારી પેઢી કોઈને માફ નહીં કરે. તેમણે કહ્યું કે, આ લડાઈ કોઈ ધર્મની નહીં પરંતુ ખેતી માટેની છે. અમે અમારી રોજી-રોટી અને ભવિષ્ય બચાવવા માટે લડી રહ્યા છીએ. પોલીસે આ પ્રમાણેનું વર્તન ન કરવું જોઈએ, જેથી અમારી ભાવનાઓ અને આંદોલનને ઠેસ પહોંચે.
ખેડૂતોનો ઘણી જગ્યાએ વિરોધ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લાઈવ દેખાડવા માટે ભાજપ અને તેમના યુવા સંગઠને ઘણી જગ્યાઓએ વ્યવસ્થા કરી હતી. પરંતુ દરેક જગ્યાઓએ ખેડૂતોએ વિરોધ કરીને તેને બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતો પહેલાં પણ ભાજપ નેતાઓનો વિરોધ કરતાં રહ્યા છે. આ પહેલાં તેમણે દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ, પૂર્વ મંત્રી મનોરંજન કાલિયાના ઘરને ઘેરી લીધું હતું. તે ઉપરાંત ભાજપ સાંસદ શ્વેત મલિક જલંધરમાં કોઈ અંગત કાર્યક્રમમાં આવ્યા હોવાની જાણ થતાં તેમને પણ ઘેરવા પહોંચી ગયા હતા. ખેડૂતોનું કહેવું છે કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર નવો કૃષિ સુધારા કાયદો પરત નહીં લે ત્યાં સુધી તેઓ ભાજપના નેતાઓનો વિરોધ કરશે.
DCPએ કહ્યું શાંતિપૂર્ણ પ્રદર્શનનો કોઈ વિરોધ નથી
આ વિશે ડીસીપી બલકાર સિંહે કહ્યું કે, ખેડૂત શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માંગે છે તો તેઓ કરે, તેનાથી અમને કોઈ વાંધો નથી. પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માંગે છે. ખેડૂતો પર લાઠીચાર્જ વિશે તેમણે કોઈ પ્રતીક્રિયા આપી નથી.
ખેડૂતોએ કહ્યું- ભાજપનો દરેક કાર્યક્રમ રોકીશુ
પોલીસ સાથે થયેલી ધક્કા-મૂક્કી પછી ખેડૂતોએ કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર કાળો કાયદો પાછો નહીં લે ત્યાં સુધી ભાજપનો કોઈ કાર્યક્રમ નહીં થવા દઈએ.
ભાજપ ઓફિસ બહાર ખેડૂતોનો વિરોધ
પૂર્વ મંત્રી અને સીનિયર ભાજપ નેતા મનોરંજન કાલ્યાના ઘરની બહાર ઘેરાવ કર્યા પછી ખેડૂતોએ ભાજપના શીતળાં માતાના મંદિર પાસે આવેલા ભાજપ કાર્યાલય બહાર પણ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોએ કહ્યું કે, તેઓ 3 મહિનાથી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે તેમ છતાં કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલન વિશે ગંભીર નથી.