ખેડૂતો કાયદા પરત લેવા પર અડગ, આગામી 19 જાન્યુઆરીએ ફરી બેઠક યોજાશે

0
2

ખેડૂત આંદોલનનો શુક્રવારે 51મો દિવસ છે. વિજ્ઞાન ભવન ખાતે સરકાર અને ખેડૂતો વચ્ચે યોજાયેલી 10માં તબક્કાની બેઠકનું કોઈ પરિણામ આવ્યુ ન હતું. બેઠક આશરે 4 કલાક ચાલી હતી. તેમાં 3 મંત્રી-કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પિયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશનો સમાવેશ થતો હતો. હવે પછીની બેઠક 19મી જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગે યોજાશે.

આજની બેઠકમાં ખેડૂત કૃષિ કાયદા પાછાં ખેંચવાના મુદ્દે અડગ રહ્યા હતા. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે અમે તમારી અનેક માંગોને સ્વીકારી છે. શુ તમારે પણ નરમ વલણ દેખાડવું જોઈએ નહીં? કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગ પર અડગ રહેવાને બદલે તમારે અમારી કેટલીક વાતો માનવી જોઈએ.

આ અગાઉ ખેડૂતોએ કહ્યું હતુ કે અમારા પાકને MSPની કાનૂની ગેરન્ટી મળવી જોઈએ. ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું છે કે અમે વાતચીત માટે આવ્યા તો છીએ, પણ વધારે આશા નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું અમે વાતચીત મારફતે ઉકેલ મેળવવા ઈચ્છીએ છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે સમિતિ અમને બોલાવશે તો અમે અમારો પક્ષ રજૂ કરશું.

કૃષિ કાયદા વિશે ખેડૂતો સાથે ચર્ચા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી 12 જાન્યુઆરીએ 4 નિષ્ણાત સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. 14 જાન્યુઆરી એટલે કે બે દિવસ પછી કમિટીથી ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ભૂપિન્દ્ર સિંહ માને તેમનું નામ પરત લઈ લીધુ છે. હવે કમિટી 19 જાન્યુઆરીએ ખેડૂતો સાથે પહેલી બેઠક કરશે.

ખેડૂતનેતા અભિમન્યુ કોહરે કહ્યું છે કે, કૃષિ કાયદા સંસદમાં પાસ થયા છે અને સરકાર જાણે છે કે આ કાયદાઓને કોર્ટ નિષ્પ્રભાવી ન કરી શકે. જે ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સીમા પર બેઠા છે, કેન્દ્ર સરકારે તેમની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ. કોઈ કમિટી બનાવી દેવી જ સમાધાન ન હોઈ શકે.