શ્રીનગર : ફારુક-ઓમર અબ્દુલ્લા પંચાયતની ચૂંટણી લડશે, કહ્યું- અમે લોકતાંત્રિક પ્રક્રિયાના સમર્થક

0
9

શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સે 5 માર્ચથી શરૂ થનારી કાશ્મીર પંચાયતની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પક્ષના કેન્દ્રીય સચિવ રતન લાલ ગુપ્તાએ જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારને પત્ર લખીને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્રમાં કહેવાયું છે કે, નેશનલ કોન્ફરન્સ લોકતાંત્રિક પ્રક્રિયાની સમર્થક છે. અમે રાજ્યમાં 8 તબક્કામાં 11 હજાર બેઠક માટેની પંચાયત ચૂંટણી લડવા ઈચ્છીએ છીએ, પરંતુ આ પહેલા રાજ્યમાં લાગેલા પ્રતિબંધો હટાવાય. અમારી માંગ છે કે, કાશ્મીરના નજરબંધ નેતાઓને મુક્ત કરાય, જેથી પક્ષ આઝાદ થઈને પ્રચાર કરી શકે. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટે કલમ 370 હટાવ્યા પછી 1000થી વધુ નેતાની અટકાયત કરાઈ હતી, જેમાંથી કેટલાકને તબક્કાવાર મુક્ત કરાયા હતા. જોકે, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓ હજુ નજરબંધ છે.

પક્ષના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ નજરબંધ છે, ચૂંટણી કેવી રીતે લડીએ?: નેશનલ કોન્ફરન્સ

આ પત્રમાં ગુપ્તાએ કહ્યું છે કે, નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા, ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા અને મહા સચિવ અલી મોહમ્મદ સગર નજરબંધ છે. તેમને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયતમાં લેવાયા છે. આ સ્થિતિમાં અમે કેવી રીતે ચૂંટણી લડીએ? જો એવું હોય કે ભાજપ સિવાય કોઈ ચૂંટણી જ ના લડે, તો વધુ કંઈ કહેવાની જરૂર જ નથી. પરંતુ જો ખરેખર આવું હોય તો તે ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here