રાધનપુર તાલુકાનાં સરદારપુરા ગામે એક વ્યક્તિ ઉપર કોઇ દેખિતા કારણ વગર ઘાતક શસ્ત્રથી જીવલેણ હુમલો કરતાં તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની વિગતો એવી છે કે, રાધનપુર તાલુકાનાં સરદારપુરા ગામે આવેલા તળાવની પાળ પાસેનાં જોગણી માતાનાં મંદિર પાસેથી ગામનો એક વ્યક્તિ પોતાનાં ખેતરેથી ઘર બાજુ માતાનાં મંદિર પાસે તળાવની પાળ તરફ આવતાં હતા ત્યારે અહીં ધારીયું લઇને ઉભેલા એક વ્યક્તિએ તે નજીક આવતાં તેણે એ વ્યક્તિને ઉભો રાખીને તેને અપમાનજનક શબ્દો બોલીને કહેલ કે, “તુ મને જ્યાં હોય ત્યાં સામે ભટકાય છે.
તારે મારી સામે આવવું નહિં. તેમ કહી ગાળો બોલી ને તુ મારી સામે કેમ બોલે છે? આજે તને પતાવી દેવો છે તેમ કહીને તેને ધારીયાથી માથામાં મારવા જતાં એ વ્યક્તિ ખસી જતાં તેને ગળાના ભાગે ઊંધ ધારિયું માર્યું હતું. આથી એ વ્યક્તિ દોડીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પેલા હુમલો કરનારાએ તેની પાછળ દોડીને ગામની દૂધની ડેરી પાસે જતાં માથામાં ધારીયું મારીને ગંભીર ઇજા કરી હતી. તેને સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં ડી.વાય. એસ.પી. ડી.ડી. ચૌધરી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇને ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ને આ અંગે આઇપીસી 307/294(બ) તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.