ફતેપુરાઃ ફતેપુરાથી સંતરામપુર માર્ગ પર સલરા ગામે ગુરૂવારે વહેલી સવારના છ વાગ્યે અકસ્માત નોતરે તેવા વળાંકમાં સાંકડા પુલ પર ફતેપુરાથી અંજાર તરફ જતી બસ અને સંતરામપુરથી ફતેપુરા થઇ ઝાલોદ જતી સરકારી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
ધડાકાભેર બંને બસો ભટકાતા બંને બસોના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. બસના પતરાઓ અને કાચનો કચ્ચરઘાણ વળી કાચ તુટી પડી ટૂકડા થઇ જમીન પર વેરાયા હતા. અકસ્માત સર્જક આ વળાંકમાં બંને બસો ધડાકાભેર અથડાતા અનેક મુસાફરો બસની પાછળ ભાગેથી આગળની સાઇડ પર આવી જઇ બસના આગળના ભાગે પડ્યા હતા.
બનાવ બનતા બંને બસોના ડ્રાવર સહિત કુલ 33 લોકોને ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલીક અસરથી ઇજાગ્રસ્તોની મદદે આવી જઇ 108 ઇમરજન્સી સેવામાં ફોન કરી ઇજાગ્રસ્તોને 108 મારફતે ફતેપુરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બંને બસના ડ્રાઈવરો કેબીનમાં ફસાઇ જતા સ્થાનિકોએ બસના દરવાજા, પતરા, સ્ટેરીંગ તોડી ડ્રાઈવરોને બહાર કાઢી સારવાર અર્થે ફતેપુરા હોસપિટલ ખાતે ખસેડયા હતા. બનાવ પગલે ફતેપુરાના ઇન્ચાર્જ મામલતદાર એન.આર.પારગી સહિત ફતેપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પોલીસ વાન લઇને આવી પહોંચ્યા હતા.