વંથલી તાલુકાના રવની ગામમાં ગતવર્ષે એક યુવાનની હત્યા થઈ હતી.મૃતક યુવાનની રેકી કરી હત્યાના આરોપીને બાતમી આપ્યાના મનદુઃખના કારણે ગતરાત્રીના સાત શખ્સોએ રવનીની સીમમાં પિતાપુત્રની ગોળી મારી હત્યા કરી નાખતા ચકચાર વ્યાપી ગઈ હતી.આ અંગે સાત શખ્સો સામે ફરિયાદ થતા વંથલી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના રવનીમાં રહેતા સલીમ હબીબ સાંધની ગત તા.૮-૩-૨૦૨૪ના લતીફ સાંધે હત્યા કરી હતી.આ કેસમાં રવનીના જીહાલ રફીક સાંધે સલીમની રેકી કરી લતીફને તેના લોકેશન વિશેની માહિતી આપી હોવાનું ખુલ્યું હતું.જેના કારણે હુસેન અલારખા સાંધે અગાઉ બે ત્રણ વાર ધમકી આપી હતી.સમય આવ્યે મુકશું નહિ એમ કહ્યુ હતું.
ગતરાત્રીના જીહાલ અને તેના પિતા રફીકભાઈ વાડીએ હતા.ત્યારે રફીકભાઇ શેઢા પાસે હતા.ત્યારે વોકળામાં છુપાઇ તેની રેકી કરતા ઝાપોદળના રહીમ ઉર્ફે ખુરી ઈસા સાંધ,જુમાં હબીબ સાંધ,હનીફ ઈસ્માઈલ સાંધે રફીકભાઇ પર ફાયરીંગ કરી તેની આંખ,માથા,સહિતના ભાગે ગોળી ધરબી હત્યા કરી નાખી હતી.ફાયરીંગનો અવાજ સાંભળી રફીકભાઇના કાકા હુસેનભાઈ ઉમરભાઈ સાંધ બેટરી લઇ ત્યાં જતા ત્યાં આ શખ્સો હથિયાર સાથે જોવા મળ્યા હતા.અને રફીકભાઇ લોહીલુહાણ હાલતમાં પડયા હતા.બાદમાં ખેતરના પૂર્વ તરફથી ફાયરીંગનો અવાજ આવતા હુસેનભાઈ બેટરી લઈ તે તરફ દોડીને જતા ત્યાં અબ્દુલ ઉર્ફે અબલો લાકડી સાથે,ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંધ અને પોલા યુસુફ સાંધ બંદૂક સાથે જોવા મળ્યો હતો.અને ત્યાં જીહાલ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. હુસેનભાઈને વાડીએ ઓરડીમાં આવી ગયા હતા.ત્યાંથી તેઓ બાઈક પર બરવાળા ગયા હતા.ત્યાંથી તેના પુત્ર હબીબને ફોન કરતા તે પણ ફાયરીંગના અવાજ સાંભળી બરવાળા જતો રહ્યો હતો.બાદમાં પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટનાસ્થળે જઈ રફીકભાઇ અને તેના પુત્ર જીહાલના મૃતદેહને પી.એ.માટે જૂનાગઢ ખસેડયા હતા.આ અંગે હુસેનભાઈ ઉંમરભાઇ સાંધે હુસેન ઉંમર સાંધે રહીમ ઉર્ફે ખુરી ઈસા સાંધ,જુમા સાંધ, હનીફ ઇસ્માઇલ સાંધ, અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહિમ સાંધ,ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંધ, પોલા યુસુફ સાંધ અને હુસેન અલારખા સાંધ સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે ગુનો દાખલ કર્યો છે.આ અંગે કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું હતું કે હાલ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે.રવનીનીની સીમમાં પિતાપુત્રની હત્યાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઇ હતી.