Home ગુજરાત ભાવનગર : બે માસૂમોને ફાંસી લગાવ્યા બાદ પિતાએ કર્યો આપઘાત, સમગ્ર વિસ્તારમાં...

ભાવનગર : બે માસૂમોને ફાંસી લગાવ્યા બાદ પિતાએ કર્યો આપઘાત, સમગ્ર વિસ્તારમાં ચકચાર

0
5

ભાવનગર જિલ્લામાં કાળજું કંપાવી દે તેવી એક દુ:ખદ ઘટના સામે આવી છે. વરતેજના નવાગામે એક પિતાએ બે માસૂમ બાળકોને ફાંસી લગાવી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પરિવારના સામૂહિક આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, તો બીજી તરફ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, નવાગામ વરતેજ ખાતે સામૂહિક આપઘાતની ઘટના બનવા પામી છે. જેમાં લાલભાઇ નરેશભાઇ ચૌહાણ નામના પિતાએ 4 વર્ષનો પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞાને ગળેફાંસો આપી પોતે પણ આત્મત્યા કરી હતી. આપઘાતની ઘટનાને પગલે વરતેજ પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં લાલભાઇ ચૌહાણની પત્ની ઘરકંકાસને લઇ રિસામણે ગઇ હોવાના કારણે લાલભાઇએ આવેશમાં આવી પોતાના બે વ્હાલસોયા બાળકો સાથે આપઘાત કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ સામે આવશે.

પોતાની આર્થિક સ્થિતિ થોડી નબળી હોઈ વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. છેલ્લે થયેલા ઝઘડા બાદ પત્ની રિસાઈને તેના પિયરે ચાલી ગઈ હતી અને સમજાવ્યા છતાં પરત ન આવતાં લાલાભાઇને કામધંધાની જવાબદારી અને નાની દીકરી પ્રતિજ્ઞા તથા પુત્ર માનવને સાચવવાની પણ જવાબદારી હતી, જેથી તેઓ કામ ધંધે જઇ શકતા ન હોય અને પત્ની રિસાઈ ગઈ હોઈ, જેનાથી તેઓ કંટાળી ગયા હતા. પ્રથમ બન્ને બાળકોને ઘરના પતરાની છતમાં લાગેલા લોખંડના પાઇપ સાથે કપડાં બાંધી ગળે ટૂંપો દઈ બાદમાં પોતે પણ ફાંસો ખાઇ લેતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.

સામૂહિક આપઘાતની ઘટનામાં પહેલા પિતાએ બંને બાળકોને ફાંસો આપી પછી પોતે લટકી ગયો હોઇ એવી શક્યતા છે અથવા તો બાળકોને ફોસલાવીને ત્રણેયે એકસાથે ફાંસો ખાઇ લીધો હોઇ શકે.

જણાવી દઇએ, ભાવનગરમાં સામુહિક આપઘાતની આ બીજી ઘટના છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનનો વ્યવસાય કરતા નિવૃત્ત ડીવાય.એસપીના નરેન્દ્રસિંહ.બી જાડેજાના પુત્ર પુથ્વીરાજસિંહ ઉર્ફે પદ્યુમનસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.36)એ મોડી સાંજે પોતાના ઘરે પોતાની બે પુત્રી, પત્ની અને કૂતરાને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી બાદમા પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં. આપઘાત કર્યા પહેલાં તમામ મિત્રો અને સગાં-સંબંધીઓને વ્હોટ્સએપથી મેસેજ કરી આત્મહત્યા કરતા હોવાની જાણ કરી હતી.

Live Scores Powered by Cn24news