વાંકાનેરના સરતાનપર ગામે રહેતા યુવાનની દીકરી ઘરેથી નીકળી ગઈ હોય. જેથી પિતા તેની દીકરીને શોધવા બાઈક લઈને નીકળ્યા હતા. મોરબીના ગાળાથી નાગડાવાસ ગામ પાસેથી જતા હતા. ત્યારે બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું. જ્યારે જામનગર-ખંભાળિયા હાઈવે પર મેઘપર નજીક ઈકો કાર હડફેટે અજાણ્યા વૃધ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજતાં સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી આરંભી હતી.
સરતાનપર ગામે રહેતા ભવનભાઈ તરશીભાઈ વીજવાડિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મોટાભાઈ હેમતભાઈ તળશીભાઈ વીંઝવાડિયા (ઉ.વ.૪૫)ની દીકરી ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી હોય જેથી દીકરીને શોધવા માટે તેઓ પોતાનું બાઈક લઈને માળિયા તરફ ગયા હતા અને પરત આવતા હોય. ત્યારે માળિયા હાઈ-વે પર ગાળા ગામથી નાગડાવાસ તરફ પહોંચતા પેટ્રોલ પંપ સામે બાઈક સ્લીપ થયું હતું. અકસ્માતમાં બાઈક ચાલક હેમંતભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.