કોરોનાના ડરથી પાલતુ જનાવરોને તરછોડાય છે, જીવદયાપ્રેમીઓ મેદાનમાં

0
0
  • હાલમાં ચાલતી મહામારીમાં આયાતી જાતિનાં તરછોડાયેલાં કૂતરાઓને ઉગારી લેવા જીવદયાપ્રેમીઓ મેદાનમાં
પ્રતિકાત્મક તસવીર

પૂજા ઝા,સીએન 24

મુંબઈ. પાલતુ જનાવરોથી પણ કોરોનાવાઈરસનું સંક્રમણ લાગુ થઈ શકે છે એવી ખોટી માન્યતા અને ડરને લીધે અનેક લોકો તેમનાં પાલતુ જનાવરોને રસ્તા પર રઝળતા છોડી રહ્યા છે. ખાસ કરીને પુણેમાં તેનું પ્રમાણ વધુ છે. આ જોતાં એનિમલ એડોપ્શન એન્ડ રેસ્ક્યુ ટીમ (આર્ટ)ના 50થી વધુ સ્વયંસેવકો આવા કૂતરાઓને ઉગારી લેવા અને રઝળતા કૂતરાઓને ખાવાનું આપવા માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
લોકડાઉન લાગુ કરાયું ત્યારથી શ્વાનપ્રેમીઓ ખોટી માન્યતામાં દોરવાઈને તેમના કૂતરાઓને તરછોડી રહ્યા છે. ખાસ કરીને ડોબરમેન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ જેવાં આયાતી જાતિનાં કૂતરાઓને અમે ઉગાર્યા છે, એમ એક સ્વયંસેવક અજય પૂજરે જણાવ્યું હતું. અમે શહેરના અલગ અલગ ભાગમાંથી આવાં 40 કૂતરાને ઉગારી લીધા છે અને આશ્રયસ્થાને છોડવામાં આવ્યાં છે.
કૂતરાઓને તરછોડી દીધા હોવાનું જાણવા મળ્યું
ઘણા બધા લોકોમાં પાલતુ જનાવરોથી પણ સંક્રમણ લાગુ થઈ શકે એવી ખોટી માન્યતા અને ભય છે. વળી, કેટલાક વિદ્યાર્થીઓ સહિત શ્વાનપ્રેમીઓ તેમના વતનમાં જતા રહ્યા હોવાથી તેમણે પણ તેમના કૂતરાઓને તરછોડી દીધા હોવાનું જાણવા મળ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. એક હાઉસિંગ સોસાયટીએ અમને કોલ કર્યા પછી અમે ત્યાં જતાં અમુક વિદ્યાર્થીઓ તેમના વતનમાં ચાલ્યા ગયા હોઈ ફ્લેટમાં બે કૂતરા છોડી ગયા હતા એવું જાણવા મળ્યું હતું. તેને પણ અમે ઉગારી લીધા છે. આરોગ્યની આ કટોકટીમાં બધે જ આવા માહોલ છે, એમ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટનાં પ્રમુખ વિનિતા ટંડને જણાવ્યું હતું.
જનાવરોને તરછોડવાં તે ગુનો
પાલતુ જનાવરોને તરછોડવાં તે ગુનો છે. આથી લોકો કૂતરાઓને આશ્રય અપાય છે તેવી જગ્યાઓ ખાતે છોડી જાય છે અથવા જાહેર રસ્તાઓ પર તરછોડે છે. અમે નિયમિત રીતે પેટ્રોલિંગ કરી રહ્યાં છીએ અને આવા રઝળતા કૂતરાઓને ઉગારવા સાથે ખાવાનું પણ આપીએ છીએ. કૂતરા અને બિલાડાથી સંક્રમણ થતું નથી, એમ ખારાડી વિસ્તારમાં આશ્રયસ્થાન ચલાવતી વિનીતાએ જણાવ્યું હતું. તેમણે હમણાં સુધી 23 આયાતી જાતિના કૂતરાઓને ઉગારી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here