પાણી અને ઘોસ્ટથી ડરે છે વિકી કૌશલ

0
7

વિકી કૌશલને ઘોસ્ટ અને પાણીથી ડર લાગે છે. તેની હૉરર ફિલ્મ ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’ ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન થયેલા ભયાવહ અનુભવ વિશે વિકીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન સીડી લગભગ મારા પર પડી રહી હતી અને અચાનક જ એ અટકી ગઈ. એ મારાથી માત્ર ૩ ઇંચ દૂર હતી. મને એવો અહેસાસ થયો કે સેટ પર કોઈ તો છે, જે અમારી હાજરીથી ડિસ્ટર્બ થઈ રહ્યું છે. એથી મેં તેમને ધીમેથી વિનંતી કરી કે અમે તમારી બાયોપિક બનાવી રહ્યા છીએ. મહેરબાની કરીને એને સારી રીતે બનાવવા દો. જોકે કોઈ પણ પ્રકારનાં બિહામણાં અનુભવો મને નથી થયાં.’

વિકીને હૉરર ફિલ્મો જોવાનો ડર લાગે છે. તે હંમેશાં ફ્રેન્ડ્સ સાથે જ આવી ફિલ્મો જુએ છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘હું ભાગ્યે જ હૉરર ફિલ્મો જોઉં છું. વર્ષમાં એકાદ વાર મને આવી ફિલ્મો જોવાનો વાંધો નથી. હું મારી જાતને સમજાવું છું કે હું તો મોટો છું અને હું હૉરર ફિલ્મો જોઈ શકું છું. આવી ફિલ્મો જોતી વખતે મને ડર પણ ખૂબ લાગે છે. મેં ઇંગ્લીશ ફિલ્મો ‘કોન્જરીંગ’, ‘પૅરાનોર્મલ ઍક્ટિવીટી’ અને ‘એનાબેલ’ જોઈ હતી. હું હંમેશાં મારા ફ્રેન્ડ્સ સાથે બેસીને હૉરર ફિલ્મો જોઉં છું. ખાસ કરીને તેમની સાથે જેઓ મારા કરતાં પણ વધુ ડરતા હોય. એનાં કારણે મને થોડી ઘણી હિમ્મત મળે છે.’

હૉરર ફિલ્મો જોવાનો ડર લાગતો હોવા છતાં તે હૉરર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ વિશે વિકીએ કહ્યું હતું કે ‘હૉરર ફિલ્મમાં કામ કરવામાં મને કોઈ વાંધો નથી કારણ કે હું જાણું છું કે જે ક્ષણે ‘કટ’ એમ કહેવામાં આવશે કે હું ઘોસ્ટ (ઍક્ટર) સાથે બેસીને ચાની ચુસ્કી લઈશ. એથી હું એને મૅનેજ કરી શકુ છું.’

આવી ફિલ્મો જોવાનો ડર જે લોકોને નથી લાગતો એવા લોકોથી વિકીને ઇર્ષા આવે છે. આ વિશે વિકીએ કહ્યું હતું કે ‘હું મારામાંથી હૉરર ફિલ્મોનાં એ ડરને ભગાવવા માગું છું કારણ કે મને એ લોકોની ઇર્ષા આવે છે જેઓ હૉરર ફિલ્મોને એન્જૉય કરે છે. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે શું તેમને રાતનાં ડર નહીં લાગતો હોય? જો હૉરર ફિલ્મોમાં કિચનમાં મને કંઈ દેખાય તો એ જ વસ્તુ મને મારા કિચનમાં હોવાનો પણ ભાસ થાય છે. એથી રાતનાં એકલા ઉંઘી જવુ અઘરૂ લાગે છે.’

વિકીને પૂછવામાં આવ્યું હતું કે શું તેને કદી પણ હૉન્ટેડ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર નહોતો આવ્યો? એનો જવાબ આપતાં વિકીએ કહ્યું હતું કે ‘મેં હંમેશાં એની પ્લાનિંગમાં ભાગ લઈને મારા ફ્રેન્ડ્સને ત્યાં જવા માટે પ્રોત્સાિહત કર્યા છે. જોકે એ જગ્યાએ જવા માટે હું કદી પણ હિમ્મત એકઠી કરી શક્યો નહોતો.’

ઘોસ્ટથી ડરવાની સાથે વિકીને પાણીથી પણ ડર લાગે છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ કરતાં પહેલા મને પાણીનો ફોબિયા હતો. જોકે આ ફિલ્મનું શૂટિંગ કર્યા બાદ એ ડર પણ થોડો ઘણો દૂર થયો છે. આ ફિલ્મમાં મેં પચીસ ફિટ ઊંડા સ્વિમિંગ પૂલમાં અન્ડર વૉટર સ્વિમિંગ કર્યું હતું. એને મેં ખૂબ એન્જૉય કર્યું હતું. જોકે જે દિવસે હું રાતનાં સ્કૂબા ડાઇવિંગ સ્વિમિંગ પૂલમાં નહીં પરંતુ દરિયામાં કરીશ એ દિવસે જ મને લાગશે કે પાણીનાં મારા આ ડરને માત આપવામાં હું સફળ થયો છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here