અમદાવાદ : અમરાઈવાડીમાં કોરોના થયો હોવાના ડરથી યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

0
7

અમદાવાદ. શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં અબેલા એકતા એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે કોરોના વાઇરસ થવાના ડરથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતકને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો અને સાજા ન થતા ડરના માર્યે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

એકતા એપાર્ટમેન્ટમાં મહેશ પંચાલ (ઉ.વ.34) તેમના પિતા અને 12 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. મહેશ છૂટક મજૂરી કામ કરતો હતો. શુક્રવારે રાતે મહેશે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમરાઈવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા મહેશને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો અને દવા ચાલુ હતી છતાં સાજો થતો ન હતો. મનમાં કોરોના થયો હોવાનો ડર હતો જેના કારણે તેને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. જો કે ઘરની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી અને પત્ની રિસામણે હતી જેથી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.