ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનના બુલંદશહેર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક કાર્ડબોર્ડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં લાખોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો .આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ગાડીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સદનસીબે આમાં કોઈનું મોત થયું નથી.
બુલંદશહેર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કાર્ડબોર્ડ અને ફોમ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ આગ એટલી ભીષણ હતી કે, બધું બળીને રાખ થઈ ગયું હતું.
વધુમાં ચીફ ફાયર ઓફિસર રાહુલ પાલનું કહેવું છે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. કાગળ, ફોમ અને કાર્ડબોર્ડનું મટિરિયલ હોવાથી આગ આખી ફેક્ટરીમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. નજીકના ફાયર સ્ટેશનોના ફાયર એન્જિનને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતાં.CFO રાહુલ પાલે જણાવ્યું કે ઘટના સમયે ફેક્ટરીમાં લગભગ ચાર લોકો કામ કરી રહ્યા હતા. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કારખાનામાં કાર્ડબોર્ડ બનાવવા માટેનો કાચો માલ રાખવામાં આવ્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
સ્ટીલ ફોર્જિંગ પ્લોટ નંબર C-174 BS રોડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ફેક્ટરીમાં આગની માહિતી ગાઝિયાબાદ ફાયર સ્ટેશન કોતવાલીને લગભગ 1 વાગ્યે મળી હતી. તરત જ ફાયર સ્ટેશન વૈશાલીના ચીફ ફાયર ઓફિસર 04 ફાયર ટેન્કર યુનિટ સાથે ઘટનાસ્થળે રવાના થયા હતા. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.