ફીફા વર્લ્ડ કપ 2022માં આજે સેનેગલ અને ઈક્વાડોર વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં સેનેગલે ઈક્વાડોરને 2-1થી હરાવ્યું હતું. આ બે મેચના પરિણામ બાદ ગ્રુપ-Aમાંથી નેધરલેન્ડ અને સેનેગલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. આ ટુર્નામેન્ટમાં ઈક્વાડોર એક મેચ જીત્યું હતું. જેમાં માત્ર કતારનો પરાજય થયો હતો. જ્યારે બીજી મેચ ડ્રો રહી હતી. ત્રીજી મેચમાં હારની સાથે તે આઉટ થઈ ગઈ હતી.
ગ્રુપ-Aની બીજી મેચ સેનેગલ અને ઈક્વાડોર વચ્ચે રમાઈ હતી જે ખૂબ જ રોમાંચક રહી હતી. સેનેગલે આ મેચ 2-1થી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેનેગલ માટે ઈસ્માઈલે 44મી મિનિટે પેનલ્ટી વડે પ્રથમ ગોલ કર્યો હતો. આના કારણે પ્રથમ હાફમાં સેનેગલે 1-0ની સરસાઈ મેળવી હતી.
આ પછી બીજા હાફમાં ઇક્વાડોર માટે મોઇસેસે 67મી મિનિટે ગોલ કરીને મેચને બરોબરી અપાવી હતી. અહીંથી એવું લાગતું હતું કે મેચ ડ્રોમાં સમાપ્ત થશે, પરંતુ સેનેગલનો ઇરાદો અલગ હતો. બીજા ગોલની માત્ર ત્રણ મિનિટ પછી, કાલિડો કૌલિબેલીએ ઝડપી ગોલ કરીને સેનેગલને 2-1ની અજેય સરસાઈ અપાવી હતી.