ફિલ્મ એક્ટ્રેસ આશાલતા વાબગાંવકરનું સાતારામાં નિધન, સિરિયલના શૂટ દરમ્યાન કોરોના સંક્રમિત થયા હતા, ‘ઝંજીર’માં અમિતાભના માતા બન્યા હતા

0
5

મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ આશાલતા વાબગાંવકરનું મંગળવારે 79 વર્ષની ઉંમરે નિધન થયું. તે કોરોના સંક્રમિત થયા બાદ મહારાષ્ટ્રના સાતારામાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતા. મંગળવારે સવારે 4.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.

શૂટિંગ માટે સાતારા ગયા બાદ કોરોના સંક્રમણ થયું

પરિવારના જણાવ્યા અનુસાર, તે સાતારામાં તેમની મરાઠી સિરિયલ ‘આઈ કલુબાઈ’નું શૂટિંગ કરવા ગયા હતા. ત્યાં કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને ICUમાં એડમિટ કરવામાં આવ્યા. કોરોનાને કારણે તેમના અંતિમ સંસ્કાર સાતારામાં જ કરવામાં આવશે.

આશાલતાની પર્સનલ લાઈફ આવી હતી

31 મે, 1941ના ગોવામાં જન્મેલા આશાલતા એક મરાઠી સિંગર, નાટ્યકાર અને ફિલ્મ એક્ટ્રેસ તરીકે ફેમસ હતા. તેમનું સ્કૂલિંગ મુંબઈની સેન્ટ કોલંબો હાઈ સ્કૂલમાં થયું હતું. 12મા પછી તેમણે થોડો સમય મંત્રાલયમાં પાર્ટ ટાઈમ કામ કર્યું. તે દરમ્યાન તેમણે આર્ટમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેમણે નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં એમએ કર્યું હતું. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પર અમુક કોંકણી ગીતો પણ ગાયા હતા.

બોલિવૂડમાં આશાલતાની જર્ની

આશાલતાએ 100થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડમાં પહેલીવાર બાસુ ચટર્જીની ફિલ્મ ‘અપને પરાયે’માં દેખાયા હતા. તે માટે તેમને ‘બંગાળ ક્રિટિક્સ અવોર્ડ’ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર મળ્યો હતો. ફિલ્મ ‘ઝંજીર’માં તેમણે અમિતાભ બચ્ચનની સાવકી માતાનો રોલ પ્લે કર્યો હતો. આશાલતાએ ‘અંકુશ’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘શૌકીન’, ‘વો સાત દિન’, ‘નમક હલાલ’ અને ‘યાદોં કી કસમ’ સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું.

મરાઠી નાટ્ય જગતમાં પણ આશાલતાનું મોટું નામ

‘ધ ગોવા હિન્દૂ એસોસિએશન’ દ્વારા રજૂ કરાયેલા નાટક ‘સંગીત સેનશૈકોલોલ’માં રેવતીનો રોલ પ્લે કરીને તેમણે નાટકીય કરિયરની શરૂઆત કરી. મરાઠી નાટક ‘મત્સ્યગંધા’ આશાલતા માટે એક્ટિંગ કરિયરમાં ઘણું મહત્ત્વનું સાબિત થયું. તેમાં તેમણે ‘ગાર્દ સબભોતી ચલી સજની તૂ તર ચફકલી’, ‘અર્થશૂન્ય બોસે મઝલા કલા જીવન’ ગીત પણ ગાયું હતું.