મોદી સરકારે ગત કાર્યકાળમાં નોટબંધીનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વીકાર્યું છે કે, ‘નોટબંધી બાદ દેશમાં રોકડ સર્ક્યુલેશન વધ્યું છે.’ નાણામંત્રીએ કહ્યું કે, ‘રોકડ સર્કુલેશનનો સંબંધ ગેરકાનૂની ગતિવિધિઓથી છે’.
આ મામલે મળી રહેલી જાણકારી અનુસાર, દેશમાં નોટબંધી બાદ થી ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની ગતિવિધિઓમાં વધારો થયો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, જેને લોકસભા સચિવાલય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તેણે આ અંગે પુષ્ટી આપી છે. આટલુ જ નહીં બિહારના સાંસદ રામપ્રીત મંડળે સંસદમાં આ વિશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સવાલ કર્યો હતો, જેના જવાબમાં નિર્મલા સીતારમણે સ્વીકાર્યું હતું કે, નોટબંધી બાદ થી દેશમાં રોકડ સર્કુલેશન વધ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપેલા પોતાના જવાબમાં કહ્યું કે, નવેમ્બર 2016 બાદથી દેશમાં રોકડ સર્કુલેશન વધ્યું છે. 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં 17,174 બિલિયન રુપિયાની રોકડ સર્કુલેશનમાં હતી. 29 માર્ચ 2019માં દેશમાં 21,137 બિલિયન રૂપિયાની રોકડ ચલણમાં છે.
ઇકોનોમિક સર્વે 2016-2017 વોલ્યૂમ-1 મુજબ, દુનિયાભરમાં રોકડના ચલણ અને ગેરકાનૂની ગતિવિધિઓ વચ્ચે સંબંધ છે. જેટલી વધારે રોકડ ચલણમાં હશે, દેશમાં તેટલો ભ્રષ્ટાચાર વધારે હશે. આપને જણાવીએ કે, 8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્રની મોદી સરકારે દેશમાં નોટબંધી લાગૂ કરી હતી. આ નોટબંધી હેઠળ દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.
દેશમાં ભ્રષ્ટાચાર
ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલની રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચાર મામલે દુનિયામાં 188 દેશામાં ભારતનું સ્થાન 78મું છે. ભારતને 41 અંક મળ્યા છે. જે વૈશ્વિક સરેરાશ 43 અંકથી પણ ઓછો છે. ભારતમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે 2011માં અન્ના હજારેના નેતૃત્વમાં જન લોકપાલ એક્ટ પાસ કરવા અભિયાન ચલાવાયું હતું. જોકે, તે વધુ ચાલ્યુ નહોતું. ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલની ચેરપર્સન ડેલિયા ફેરેરો રૂબિયા અનુસાર, જે દેશોમાં લોકતાંત્રિક સંસ્થાઓ કમજોર હોય છે, તે દેશોમાં ભ્રષ્ટાચાર વધારે જોવા મળે છે.