અદાણી પાવર, વેદાંતા સહિત 20થી વધુ કંપની સામે FIR

0
10

નવી દિલ્હીઃ સીબીઆઈએ ગેરકાયદે રીતે કોલસાનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં 25 અગ્રણી કંપની અને કોલ ઈન્ડિયા લિ.ના ચાર પૂર્વ અધિકારી સામે કેસ નોંધ્યો છે. સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે, આ તમામે 2013થી 2017 વચ્ચે સરકારી કંપનીને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમયગાળામાં કંપનીઓને કોલસાનો પુરવઠો પૂરો પાડવા નીતિનિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. CBIની ફરિયાદમાં અદાણી પાવર સહિત અદાણી પાવર મહારાષ્ટ્ર, વેદાંતા, જિંદાલ સ્ટીલ, એસીસી લિ. અને ઈમામી બાયોટેક લિ. જેવી કંપનીના નામ છે. એફઆઈઆર મુજબ, કોલ ઈન્ડિયાની પેટા કંપની મહાનાડી કોલફિલ્ડ્સ લિમિટેડે (એમસીએલ) દેશની કુલ 25 અગ્રણી કંપનીને કોલસો પહોંચાડવા તેની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આ કંપનીઓને લાભ પહોંચાડવા અધિકારીઓએ કોર્પોરેટ એગ્રિમેન્ટના નીતિનિયમોને ફગાવી દીધા હતા. અધિકારીઓ પર ખોટા રેકોર્ડ બનાવવાનો તેમજ ગ્રાહકો પાસેથી પર્ફોર્મન્સ ઈન્સેન્ટિવ અને કોમ્પેન્સેશન રિકવર કરવામાં નિષ્ફળ જવાનો પણ આરોપ છે. આ કારણસર એમસીએલને રૂ. 97 કરોડનું નુકસાન થયું હોવાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ છે.

25 કંપનીને ગેરકાયદેસર મદદ કરવાનો આરોપ

આ દરમિયાન એમસીએલના ફાઈનાન્સ વિભાગમાં ચીફ મેનેજર તરીકે કાબેરી મુખરજી, સિનિયર મેનેજર તરીકે અનિલ કુમાર ભૌમિક અને દેબજ્યોતિ ચક્રબોર્થી અને ડે. મેનેજર તરીકે શ્રીપાલી વીરાંઘતા હતા. સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે, એમસીએલના આ તમામ અધિકારીઓએ કુલ 25 કંપનીને ગેરકાયદે મદદ કરી હતી. આ કેસમાં કોલ ઈન્ડિયાના ચેરમેન અને એમડી અનિલ કુમાર ઝાએ જાન્યુઆરી 2020માં સીબીઆઈને ફરિયાદ કરી હતી.

ચોક્કસ આરોપો નથી

આ કેસમાં અદાણી જૂથ સામે ચોક્કસ કોઈ આરોપો નથી. કંપનીએ ફ્યૂલ સપ્લાય એગ્રિમેન્ટની તમામ પ્રક્રિયા, નીતિનિયમોનું પાલન કર્યું છે. એમસીએલ સાથેના પણ તમામ કરારોનું પાલન કર્યું છે અને કશું જ ખોટું નથી. આ પ્રાથમિક ફરિયાદ છે. કંપની કાયદેસરની પ્રતિક્રિયા આપશે. – પ્રવક્તા, અદાણી જૂથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here