મુંબઈ : બાંદ્રામાં MTNLની ઓફિસમાં આગ, રોબોટ વાન વડે 84નો બચાવ

0
33

મુંબઈ: મુંબઈમાં સોમવારે બાંદ્રા ખાતે આવેલા એમટીએનએલના ટેલિફોન એક્સચેન્જના નવમા માળે આગ લાગી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ ઇમારતની છત પર ફસાયેલા 84 લોકોને બચાવાયા હતા. પ્રથમવાર બચાવ કામગીરી માટે રોબોટ વાનનો પણ ઉપયોગ કરાયો હતો. આ દરમિયાન ફાયર બ્રિગેડના બે કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા હતા.

ફાયર રોબો પણ કામે લગાવ્યો

સોમવારે બપોરે 3.11 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. સોમવારે કામકાજનો પહેલો દિવસ હોવાથી ઈમારતમાં મોટે ભાગે કર્મચારીઓ મોજૂદ હતા. ભોંયતળિયું વત્તા નવ માળની આ ઈમારતમાં ત્રીજો અને ચોથો માળ આગમાં લપેટાયા હતા. ખાસ કરીને સમુદ્રકિનારો નજીક હોવાથી જોરદાર પવન ફૂંકાતો હોવાથી આગ સતત ફેલાતી હતી, જેથી ફાયરના જવાનોને પણ આગ બુઝાવવામાં અને અંદર ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં ભારે કસોટીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડે ક્રેમની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા. ઉપરાંત હાલમાં જ ખરીદી કરેલો ફાયર રોબો પણ કામે લગાવ્યો હતો, પરંતુ તેનું ધાર્યું પરિણામ આવ્યું નહોતું.

ભારે જહેમતથી ફાયરના જવાનોએ ઉગારી લીધા

આગ લાગતાં કર્મચારીઓ ઉપરના માળ પર દોડી ગયા હતા, જ્યારે મોટા ભાગના કર્મચારીઓ અગાશી પર ગયા હતા. ફસાયેલા લોકોમાં વૃદ્ધો, મહિલાઓનો પણ સમાવેશ થતો હતો, જેમને ભારે જહેમતથી ફાયરના જવાનોએ ઉગારી લીધા હતા. નોંધનીય છે કે રવિવારે દક્ષિણ મુંબઈમાં તાજમહલ હોટેલથી 2 મિનિટના અંતરે આવેલી ચર્ચિલ ઈમારતમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક જણનું મોત થયું હતું, જ્યારે 14 જણને ઉગાવી લેવાયા હતા.

ધુમાડાની અસર બાંદરા સ્ટેશન સુધી

હવાને લીધે ધુમાડાના કાળાડિબાંગ ગોટેગોટા બાંદરા રેલવે સ્ટેશન, આસપાસની ઈમારતો સુધી પહોંચ્યા હતા. બાંદરા સ્ટેશનના પ્લેટફોર્મ 1 અને 2 પર પ્રવાસીઓને પણ અસર થયેલી જોવા મળી હતી. ધુમાડાને લીધે ખાસ કરીને લોકોને ખાંસી થવા લાગી હતી. ધુમાડો એટલો તીવ્ર હતો કે બાંદરા સ્ટેશન પર આગ લાગી હોય તેવું લાગતું હતું. આવું જ કાંઈક આસપાસની ઈમારતોમાં પણ થયું હતું. લોકો ડરના માર્યા ઈમારતની નીચે ઊતરી આવ્યા હતા. ઘરની લાઈટ્સ પણ બંધ કરી દીધી હતી. આગથી એસ વી રોડ જામ એમટીએનએલની ઈમારત આવેલી છે તે એસવી રોડ હંમેશાં ટ્રાફિકથી ઘેરાયેલો હોય છે. આગ લાગવાથી આ રસ્તો એકદમ જામ થઈ ગયો હતો, જેને લીધે ટ્રાફિક પોલીસની પણ કસોટી થઈ હતી.

બાજુની સ્કૂલ ખાલી કરાઈ

એમટીએનએલની ઈમારતની બાજુમાં જ અંજુમન- એ- ઈસ્લામ સ્કૂલ આવેલી છે. સ્કૂલમાં પણ ધુમાડો જોતજોતાંમાં ફેલાઈ ગયો હતો. તે સમયે સ્કૂલમાં લગભગ 1200 વિદ્યાર્થી હતી. શાળાના વ્યવસ્થાપકોએ તાત્કાલિક તેમને સ્કૂલમાંથી બહાર નીકળીને મેદાનમાં જવા માટે કહ્યું હતું. નાના બાળકના વાલીઓને જાણ કરાઈ હતી, જે પછી તેમને સુરક્ષિત ઘરે મોકલી દેવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here