યુપી : પોલીસ પર હુમલો : કાનપુરમાં હિસ્ટ્રી શીટરને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ.

0
3

કાનપુર. ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યે હિસ્ટ્રી શીટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર દૂબેના સાગરીતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સર્કલ ઓફિસર(DSP) અને 3 સબ ઇન્સપેક્ટર સહિત 8 પોલીસકર્મીઓ શહીદ થયા છે. મળતી માહિતી પ્રમાણે બિઠૂરના એક ગામમાં પોલીસ વિકાસ દૂબેને પકડવા ગઇ ત્યારે છત પરથી તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોર પોલીસના હથિયારો પણ લૂંટીને જતા રહ્યાં હોવાના અહેવાલ છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છેકે, આ અથડામણ બાદ કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં વિકાસ દૂબેના ત્રણ સાગરીતો ઠાર મરાયા છે.

DGP એચસી અવસ્થીએ જણાવ્યું છેકે, વિકાસ દૂબે વિરુદ્ધ કાનપુરના રાહુલ તિવારીએ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ તેને પકડવા માટે બિકરુ ગામમાં ગઇ હતી. પોલીસને કાર્યવાહી કરતી અટકાવવા માટે જ જેસીબી સહિતના વાહનોથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. અચાનક  છત પરથી આડેધડ ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે STFની ટીમને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. પોલીસે યુપીની તમામ બોર્ડર સીલ કરી છે.

આ પોલીસકર્મી માર્યા ગયા 

DSP દેવેન્દ્ર મિશ્ર, SI અનૂપ કુમાર સિંહ, SI નેવૂલાલ, SO મહેશ ચંદ્ર યાદવ, કોન્સ્ટેબલ સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ રાહુલ, કોન્સ્ટેબલ જિતેન્દ્ર અને કોન્સ્ટેબલ બબલૂના મોત થયા છે. આ ઉપરાંત બિઠૂર પોલીસ સ્ટેશન પ્રભારી કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ સહિત 7 પોલીસકર્મીઓને ગોળી વાગી છે. તેમની સારવાર રીજેન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે.

કોણ છે વિકાસ દુબે?

વિકાસ ઉત્તરપ્રદેશનું કુખ્યાત બદમાશ છે. STFએ વિકાસ દુબેને 31 ઓક્ટોબર 2017ના રોજ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. કાનપુર પોલીસે તેના વિરુદ્ધ 25 હજારનું ઈનામ રાખ્યું હતું. તે થોડા દિવસ પહેલા જેલમાંથી બહાર આવ્યો હતો.

વિકાસે 2001માં પોલીસ સ્ટેશનમાં ઘુસીને ભાજપ નેતા અને રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યા કરી હતી. તે પોલીસ સ્ટેશનમાં ઘુસીને પોલીસકર્મી સહિત ઘણા લોકોની હત્યા કરી ચુક્યો છે. વિકાસ પર 60થી વધુ કેસ છે. તે પ્રધાન અને જીલ્લા પંચાયતનો પણ સભ્ય રહી ચુક્યો છે.