ગુજરાતનો પહેલો કેસ : બે લિંગ સાથે જન્મનાર બાળકનું ઓપરેશન કરી એક લિંગ દૂર કરાયું, વિશ્વમાં 30 અને ભારતમાં આ બીજો કિસ્સો

0
58

અમદાવાદ: મેડિકલ સાયન્સમાં અનેક વિચિત્ર કિસ્સાઓ જોવા મળતા હોય છે. જોકે, કેટલાક દુર્લભ કિસ્સાઓ સામાન્ય વ્યક્તિઓ સહિત તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. અમદાવાદ સિવિલમાં આવો જ એક દુર્લભ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ત્રણ માસના બાળકને જન્મથી બે લિંગ હતા. જન્મથી જ બે ગુપ્તાંગ હોવાનો આ દેશનો બીજો અને ગુજરાતનો સૌપ્રથમ કેસ છે. તબીબો માટે માસૂમ બાળકનું એક લિંગ દૂર કરવા તેમજ પુંઠના ભાગે ગાંઠને દુર કરી સામાન્ય જીવન આપવાનો મહત્વનો પડકાર હતો. સિવિલ હોસ્પિટલમાં બાળક પર સફળ સર્જરી કરાઈ છે અને બાળકનું વધારાનું લિંગ દૂર કરવામાં આવ્યું હતું.

દિકરાના જન્મની ખુશી સાથે પરિવાર આશ્ચર્યમાં
જામખંભાળિયાના રોહનભાઇની(ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) પત્નીએ બે દિકરી બાદ ત્રણ મહિના પહેલાં જ દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાના જન્મની ખુશી સાથે પરિવાર આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો. કેમ કે, દિકરાને બે ગુપ્તાંગ અને પુઠના ગાંઠ હતી. જેથી શિશુને જામનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. જ્યાં મેડિકલ ટેસ્ટ બાદ સર્જરી કરાવવા બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું. જેથી પરિવાર ત્રણ મહિનાના બાળકને લઇ સિવિલ આવ્યા હતા અને પિડિયાટ્રીક સર્જરી વિભાગમાં દાખલ થયા હતા. દાખલ થયા બાદ પિડિયાટ્રીક વિભાગના સિનિયર તબીબ ડો. જયશ્રી રામજીએ બાળકની તપાસ કરાવી હતી અને એમઆરઆઇ સહિતના ટેસ્ટ કરાવ્યા હતા. ત્યારબાદ બાળકની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળક ત્રણ જ મહિનાનું હોવાથી એનેસ્થેસિયા આપવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડે તેમ હતું. જો કે, એનેસ્થેસિયાના ડો. નિલેષ સોલંકી અને જાનવી શાહે સતત મોનેટરીંગ કરી એનેસ્થેસિયા આપ્યો હતો. ત્યારબાદ ડો.જયશ્રી રામજી અને પિડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરી બાળકીની સફળ સર્જરી કરી હતી.

વિશ્વમાં આ પ્રકારના 30 કિસ્સા
આ અંગે ડો. જયશ્રી રામજીએ જણાવ્યું હતું કે, વધારાનું ગુપ્તાંગ દૂર કરતી વખતે પેશાબની નળી અને પૂંઠ પાસે ચરબીની ગાંઠ દૂર કરતી વખતે પૂંઢના કોઇ હિસ્સાને નુકશાન ન થાય તે ઓપરેશનમાં પડકાર હતો. પરંતુ ટીમ વર્કને કારણે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે અને બાળક સ્વસ્થ થતા રજા પણ આપી દેવામાં આવી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.એમ.એમ.પ્રભાકર તથા પિડિયાટ્રીક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ મુજબ વિશ્વમાં આ પ્રકારના અત્યાર સુધી 30 કિસ્સા જ નોંધાયા છે. જેમાં ભારતનો એક કિસ્સો ચેન્નાઇનો નોંધાયેલો છે. જ્યારે બીજો કિસ્સો ગુજરાતનો આ છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારે પહેલીવાર ઓપરેશન કરવામાં આવ્યું છે.

માતાના ગર્ભમાં જ કોઇ કારણસર અંગ છુટા પડી જતા હોય છે
તબીબોના જણાવ્યા અનુસાર, માતા ગર્ભ ધારણ કરે અને 7-8 અઠવાડિયામાં કોઇ કારણસર અંગ છુટા પડી જતા હોય છે. જેના કારણે આવી સમસ્યા ઉભી થતી હોય છે. આવું થવાથી છુટો પડેલો ભાગ અન્ય અંગો સાથે જોડાઇ જાય છે. જેથી ઘણી વાર ત્રણ હાથ, કે પગ સાથે પણ બાળકોના જન્મ થતા હોય છે. પરંતુ વધારાના ગુપ્તાંગ સાથે જન્મ થયો હોય તેવો આ ગુજરાતના પ્રથમ અને ભારતનો બીજો જ્યારે વિશ્વનો 31મો કિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here