Tuesday, March 18, 2025
HomeગુજરાતGUJARAT : ગિરનાર અંબાજી, ગોમતી નદી, ચોટીલા ડુંગરે પ્રથમ હોલિકા દહન

GUJARAT : ગિરનાર અંબાજી, ગોમતી નદી, ચોટીલા ડુંગરે પ્રથમ હોલિકા દહન

- Advertisement -

 તા. 13ના ગુરૂવારે સવારે 10.35 વાગ્યાથી શરૂ થતી ફાગણ સુદ-પુનમના દિવસે ગામેગામ હોલિકા દહન થશે. ગીરનાર પર્વત ઉપર માતા અંબાજી મંદિરે, દ્વારકામાં ગોમતી નદીના કાંઠે તેમજ ચામુંડા માતાજીના ધામ ચોટીલા ડુંગર ઉપર પ્રથમ હોલિકા દહન થશે. સૌરાષ્ટ્રમાં અંદાજે 2500થી વધુ સ્થળોએ હોલિકા દહનના આયોજન થયા છે અને હોળી-ધુળેટીની ઉજવણી માટે લોકો દ્વારા ઉત્સાહભેર બજારોમાં શ્રીફળ,હારડાં,ખજુર, ધાણી,દાળિયા, રંગો, પિચકારી વગેરેની ખરીદી નીકળી હતી. તો હોળી માટે લાખોની સંખ્યામાં છાણાની પણ ખરીદી થઈ હતી.

જુઠ ઉપર સત્યનો, દુરાચાર-અત્યાચાર ઉપર સદાચારનો, સત્તા-શક્તિના મિથ્યાભિમાન ઉપર ભક્તિમય વિનમ્રતાનો  હંમેશા, યુગો યુગોથી વિજય થાય છે એ સનાતન વાતનો સંદેશો આપતા આ પર્વને ધાર્મિક પરંપરા સાથે ભાઈચારા સાથે ઉજવાતું રહ્યું છે અને દરેક ગામો-શહેરની આગવી પરંપરા રહી છે.

ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકાનગરી અને દેશના ચાર ધામ પૈકીના ધામ દ્વારકામાં ગોમતી નદીના કાંઠે સૌ પ્રથમ હોળી પ્રગટાવાશે અને ત્યાંંથી અગ્નિદેવને લઈને તેનાથી અન્ય સ્થળોએ હોલિકાદહન થશે. વળી, પુનમના દિવસે ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ શ્રીજીના દર્શનનું સદીઓથી અનેરૂં મહત્વ રહ્યું છે તેમજ શુક્રવારે ફુલડોલ ઉત્સવ માટે તો લાખો લોકો પદયાત્રા કરીને આ સ્થળે આવતા હોય છે જે અન્વયે તડામાર તૈયારીઓ કરાઈ છે.

જુનાગઢમાં ગીરનાર પર્વત પર બીરાજતા અંબાજી માતાજીના મંદિરે સાંજે સાડાસાત વાગ્યે સૌ પ્રથમ હોલિકા દહન થશે જેની જ્વાળાઓ જુનાગઢ શહેરમાં તળેટીએથી, દૂર દૂરથી જોઈ શકાય છે. કાષ્ઠ, શ્રીફળ, છાણા વગેરેનો ઉપયોગ થાય છે. વર્ષોની પરંપરા મૂજબ આ હોળી પ્રગટાવાયા પછી જુનાગઢમાં આશરે ૨૫૦ હોળી પ્રગટાવાતી હોય છે.

ચોટીલા ડુંગર પર બીરાજતા ચામુંડા માતાજીના મંદિર પરિસરમાં પણ સૂર્યાસ્ત પછી હોલિકાદહન થશે. દર પુનમના દિવસે આ સ્થળે દર્શનનું સવિશેષ મહત્વ યુગોથી રહ્યું છે જેના પગલે આવતીકાલે રાત્રિના 2-30 વાગ્યે જ ડુંગર પર જવાના દ્વાર ખુલી જશે અને મોડી રાત્રે 3-00 વાગ્યે મંગલા આરતી થશે. મંદિર પર હાલના પુજારીના પરિવાર દ્વારા 160 વર્ષથી આ હોળી પ્રગટાવાય છે અને તે પહેલાથી હોલિકાદહન થતું રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં ઠેરઠેર હોલિકાદહનના ધર્મોત્સવ ઉજવાયા છે. રાજકોટમાં 400 જેટલા સ્થળોએ હોલિકાદહન થશે જે માટે આજે જ ચોકે ચોકે છાણાના વિશાળ ગંજ ખડકીને તૈયારીઓ કરવામાં આવી હતી. પર્યાવરણપ્રેમી વલણના પગલે લાકડાનો ઉપયોગ મોટાભાગે ભાવિકો દ્વારા ટાળવામાં આવે છે. ગોંડલમાં ૭૩ વર્ષની પરંપરા મૂજબ દેવપરા ગુ્રપ દ્વારા સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે જેમાં ૨૫ હજાર છાણાનો ઉપયોગ થશે. દરેક હોળીમાં પરંપરાગત રીતે શ્રીફળ અને ઘુઘરીનો પ્રસાદ અપાતો હોય છે.

હજુ એક માસ લગ્ન સહિત શુભપ્રસંગોને બ્રેક : આજે હોળાષ્ટક પૂરા થશે અને કાલે તા. 14 ના મીન સંક્રાંતિ : માર્ચ માસમાં 2 ગ્રહણો: આવતીકાલ ધુળેટીના દિવસે ચંદ્રગ્રહણ બાદ તા. 29ના સૂર્યગ્રહણ થશે

રાજકોટ, : તા. 6 માર્ચથી શરૂ થયેલા 8 દિવસના હોળાષ્ટક કે જે સમયમાં ગ્રહોની શુભ દશા હોતી નથી તેથી શુભકાર્યો હાથ ધરાતા નથી તે આવતીકાલે પૂર્ણ થશે પરંતુ, આ સાથે જ તા. 14ના સાંજે 6-51 વાગ્યે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થશે. હિન્દુ સૂર્ય કેલેન્ડર મૂજબ આ અંતિમ માસ ગણાય છે અને આ દિવસે મીનારક કમુહુર્તા શરૂ થતા હોય છે.આ સમયમાં સામાન્ય રીતે લગ્નના મુહુર્ત હોતા નથી.  આ ઉપરાંત માર્ચ માસમાં આ વર્ષે બે ગ્રહણો છે. તા. 14ના ધુળેટીના દિવસે બપોરના સમયે ચંદ્રગ્રહણ છે પરંતુ, તે ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક પાળવામાં આવશે નહીં.એટલે કે તેની કોઈ અસર રહેશે નહીં. જ્યારે તા. 29ના સૂર્યગ્રહણ છે.

આજે ભદ્રા કરણને લીધે હોળી પ્રગટાવવા મુહૂર્ત રાત્રે 11-30

રાજકોટ, : આવતીકાલે સવારથી પુનમ તો શરૂ થઈ જાય છે પરંતુ, આ વર્ષે ભદ્રા નામનું કરણ જે સવારે 10-35 થી શરૂ થઈને રાત્રિના 11-26 વાગ્યા સુધી છે. ભદ્રાના કાળમાં શાસ્ત્રીજીઓ હોલિકાદહનનું મુહૂર્ત આપતા નથી હોતા. જે કારણે હોળી પ્રગટાવવા માટે આ વર્ષે મુહૂર્ત રાત્રિના 11.27 થી 12.56 સુધીના અપાયા છે.એટલે કે મુહૂર્ત મૂજબ હોળી આ વર્ષે મોડી રાત્રિના પ્રગટાવાશે. જો કે ધર્મસ્થળોએ આગવી પરંપરામૂજબ સૂર્યાસ્ત પછી હોલિકાદહન થતું હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular