બનાસકાંઠા : ડ્રગ્સની હેરાફેરી કરતા એક મહિલા સહિત પાંચની ધરપકડ.

0
10

ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું હોટસ્પોટ બનતું જાય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે કમર કસી છે. જેના પગલે છેલ્લા થોડા દિવસોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસ દ્વારા જબ્બે કરવામાં આવ્યું છે. સુરત, વડોદરા તેમજ અમદાવાદ બાદ હવે બનાસકાંઠામાં ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ, બનાસકાંઠાના લાખાણી તાલુકામાં આગથળા પાસે એમડી ડ્રગ્સ સાથે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ છે. પોલીસ તપાસમાં આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, લાખાણી તાલુકામાં આગથળા પાસે એક ઇકો કાર કાબૂ ગુમાવતા પલટી ગઇ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે તપાસ દરમિયાન ગાડીમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.

પોલીસે યાસીન ઇસુફભાઈ સિંધી, ઈમ્તિયાઝ અબ્દુલભાઇ મકરાણ, વસીમ હબીબભાઈ કસાઈ, અફરોજ ઉર્ફે ફરીન w/o ઈલિયાસ મકરાણી, તેમજ એક સગીર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઇકો કાર સહિત કુલ ચાર 4.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે NDPS એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાર વર્ષમાં 4 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આજની યુવાપેઢી ચરસ, બ્રાઉનસુગર, ગાંજો, હસીસ કે હેરોઇનથી એક ડગલું આગળ વધી એચ શિડયૂઅલ વર્ગની નશીલી દવાઓની બંધાણી બની છે. તેનાં કારણે જ ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરતમાં ચિંતાજનક રીતે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. હવે, યુવક – યુવતીઓ પેન્ટાઝોસિન અને ફોર્ટવિન જેવા ડ્રગ્સનો બેફામ ઉપયોગ કરતાં થયાં છે. નાર્કોર્ટિક્સ કંટ્રોલ બ્યુરોના આંકડા જ બોલે છે કે, ગુજરાતમાંથી વર્ષ 2014થી લઈ આજ સુધીમાં 176 કિલો ચરસ, 1448 કિલો હેરોઇન અને 830 ગ્રામ કોકેઇન પકડાયું છે.

આ ઉપરાંત મિથાઇલફેનિડેટ ટેબલેટ, એમ્ફેટામાઇન, એક્સેટેસી, ટ્રમાડોલ પાવડર, ઇફ્રેડ્રાઇન જેવા પાર્ટી ડ્રગ્સ પણ મોટી માત્રામાં પકડાયા છે. ચાલું વર્ષે જ NCBએ વડોદરા રેલવે સ્ટેશન પરથી ત્રણ નાઇઝિરિયનને રૂ.10 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડયાં હતા.

ત્રણેય કેરિયરો દિલ્હીથી વાયા વડોદરા થઈ મુંબઈ જતા હતા.હેરોઇનનો સૌથી મોટો જથ્થો પકડાવવાના મામલે પણ ગુજરાત દેશમાં મોખરે છે. દ્વારકાથી 360 કિમી દૂર દરિયામાં પ્રિન્સ મર્ચન્ટ શીપમાંથી એક સાથે 1445 કિલો હેરોઇન ઝડપાયું હતું. અફઘાનિસ્તાનથી મકરાન, પાકિસ્તાન-ઈરાકને જોડતાં દરિયાઈ માર્ગથી ઇસ્ટ આફ્રિકા થઈ ડ્રગ્સ પોરબંદર લવાયું હતું. જેની કિંમત રૂ. 3500 કરોડ આંકવામાં આવી હતી. આ કેસમાં એનસીબીએ ૧૨ આરોપીઓની ધરપકડ કરી હતી.