ગુજરાત સરકારનો નિર્ણય : પાંચ વર્ષના અનુભવી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલોને માઈનોર ક્રાઈમના કેસોમાં તપાસકર્તાની સત્તા અપાઇ

0
7

ગુજરાત સરકાર દ્વારા પોલીસ તંત્રમાં મોટા ફેરફારના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી પાંચ વર્ષના અનુભવી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ કેસમાં તપાસકર્તા તરીકે કામગીરી કરી શકશે. ગુજરાત સરકારે કરેલા ઠરાવ અનુસાર પાંચ વર્ષના અનુભવી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પાંચ વર્ષથી ઓછી સજા સંબંધિત કેસની તપાસ કરી શકશે.

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી અધિકારીઓ પર નાના કેસના તપાસનું ભારણ ઘટશે જેથી તેઓ ગંભીર પ્રકારના ગુનાઓની તપાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પાંચ વર્ષથી ઓછી સજા સંબંધિત કેસની તપાસમાં મોટાભાગે ગુજરાત પ્રોહીબીશન એક્ટ, ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલીંગ એક્ટ, માઇનોર એક્ટ્સ, બોમ્બે પોલીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ અને અન્ય એક્ટની તપાસ સોંપવામાં આવશે. જેથી માઇનોર ક્રાઈમના કેસોમાં તપાસ અને તેનો નિકાલ ઝડપથી થશે. મોટાભાગની તપાસ પ્રક્રિયાને ઇ-ગુજકોપથી ડિજીટલાઇઝ કરવામાં આવી છે.

પાંચ વર્ષથી વધુ અનુભવી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલો માટે તપાસ કાર્યવાહીની તાલીમનો એક કેપ્સુલ કોર્સ વિકસાવવામાં આવ્યો છે, જેનાથી તેઓ તપાસમાં આગળ વધવા માટે વધુ તૈયાર થશે. સરકારના આ નિર્ણયથી બીજો મોટો ફાયદો એ થશે કે જ્યારે આ પોલીસ કોન્સ્ટેબલો ભવિષ્યમાં બઢતી મેળવી આગળ વધશે ત્યારે તેમની પાસે કેસોના તપાસનો બહોળો અનુભવ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ કે તેમના ઉપરના હોદ્દાના અધિકારીઓ કેસમાં તપાસકર્તા તરીકે ફરજ બજાવતા હતાં.