વડોદરા પર પૂરનું સંકટ: વિશ્વામિત્રી નદીની સપાટી 23 ફૂટે પહોંચી, ભયજનક સપાટી માત્ર 3 ફૂટ દૂર,

0
5

વડોદરા. વિશ્વામિત્રી નદીની સપાટી વધવાથી વડોદરા શહેર પર પૂરના સંકટને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઇ ગઇ છે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સુભાષનગરમાં પૂરના પાણી ઘૂસ્યા છે. જોકે સુભાષનગરના લોકોનું શુક્રવારે જ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થતાં વડોદરા શહેર પર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે 3 વાગ્યે 23 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. એટલે કે, હવે વિશ્વામિત્રી નદીની સપાટી તેની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ જ દૂર છે. વડોદરા શહેરમાં શુક્રવારે સાંજે 6 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 19 ફૂટ હતી અને સવારે 8 વાગ્યે સપાટી વધીને 22 ફૂટ થઇ ગઇ હતી આમ રાત્રી દરમિયાન વિશ્વામિત્રી નદીની સપાટીમાં 3 ફૂટ જેટલો વધારો થયો હતો.વરસાદ રોકાયો પણ આજવા ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે
આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી સતત વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આજવા ડેમની સપાટી હાલ 211.70 ઉપર પહોંચી ગઇ છે. આજવા ડેમમાંથી પાણીની આવકને પગલે વડોદરા પર મંડરાઇ રહેલા પૂરનું સંકટ યથાવત છે.

NDRF અને ફાયરબ્રિગેડની ટીમો એલર્ટ
વડોદરા શહેરના માથે તોળાઇ રહેલા પૂરના સંકટને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને પૂરની સ્થિતિને પહોંચી વળવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. NDRF અને ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. કોઇપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.

શુક્રવારે રાત્રે 400 લોકોનું સ્થળાંતર કરાયુ
વડોદરા પર પૂરના સંકટને પગલે શુક્રવારે રાત્રે 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાંથી 87 લોકો, કારેલીબાગ વિસ્તારના જલારામનગર ખાતેથી પણ 20 લોકો અને ઉંડેરામાંથી 22 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સપાટી વધશે તો હજી વધુ લોકોનું સ્થળાંતર કરવુ પડશે. જેના માટે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

ભારે વરસાદની આગાહીને પગલે પૂરનું સંકટ
આજવા ડેમમાં ધનસર, હાલોલ, ગોપીપુરા, મદાર અને રૂપાપુરા સહિત 8 જેટલા ગામોનું વરસાદનું પાણી આવે છે. હાલ વરસાદ બંધ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજવા સરોવરના દરવાજા શનિવારે 15 ઓગષ્ટની રાત્રે 212 ફૂટે સ્થિર કરવામાં આવશે. હાલ આજવા સરોવરના દરવાજા 211 ફૂટે સ્થિર કરવામાં આવ્યા છે અને હાલ આજવા સરોવરની સપાટી 211.70 ફૂટ છે. જ્યારે પ્રતાપ સરોવરની સપાટી 225.50 ફૂટ છે. પ્રતાપ સરોવરનું પાણી આજવા સરોવરમાં આવે તેવી વ્યવસ્થા છે અને આજવા સરોવરનું પાણી વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવે છે.

પૂરની સ્થિતિની શક્યતાને પગલે લોકોએ સામાન બચાવવા ઊંચાઇ પર મુકી દીધો
શહેરીજનો પૂરના ભયથી સાવધાન થયા છે. લોકો નુકસાન ન થાય તે માટે સામાન સલામત સ્થળે ખસેડી રહ્યા છે. પહેલા માળે રહેતા લોકો બીજા માળે સામાન શિફ્ટ કરી રહ્યાં છે. ગત વર્ષે પણ પૂરની પરિસ્થિતિ વખતે લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેને લઇને આ વર્ષે લોકોએ સાવધાન થઈ પૂર પહેલાં પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત કેટલાક લોકો પોતાનો સામાન ઉપરના માળે પણ ખસેડી રહ્યા છે.