સુરતઃ ગુજરાતમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુરમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં જિલ્લામાં પારડીમાં 32 મિમિ, વલસાડમાં 27 મિમિ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં કામરેજમાં 2 મિમિ અને માંગરોળમાં 15 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં 42 મિમિ અને સુબીરમાં 2 મિમિ વરસાદ નોંધાયો છે.
ભેસલાપાડા બ્રિજની કામથી પાણી ભરાતા રસ્તો બંધ
પારડી સ્થિત ભેસલાપાડ આગળ અંબાચ જતા માર્ગ પર બની રહેલાં બ્રિજની કામગીરી પૂર્ણ થઇ નથી. શનિવારે પડેલા ભારે વરસાદના કારણે નાળાઓ ઉખડી જતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વરસાદી પાણીના ભરાવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. આ બ્રિજ ચોમાસા પહેલા બની જશે એવો દાવો થયો હતો, પરંતુ હજુ સુધી આ બ્રિજની કામગીરી પૂર્ણ થઇ નથી. સ્થાનિકોમાં જવાબદાર એજન્સી સામે આક્રોશ ભભુકી ઉઠયો હતો. પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણીનો ભરાવો થતાં આ ચોમાસામાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડશે. એક ટ્રક પર માર્ગની અંદર ખુચતાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.
વણઝાર ખાડી ઓવર ફ્લો થતાં સંપર્ક તૂટ્યો
વલસાડ તાલુકાની હદ પાસે આવેલી વણઝાર ખાડી ધરમપુર અને વલસાડ તાલુકામાં પડેલા અનારાધાર વરસાદના કારણે ઉભરાઇ જતાં લોકોની અવરજવરજ થંભી ગઇ હતી.આ વિસ્તારના આસપાસના 3 થી 6 ગામનો સંપર્ક તૂટી ગયો હતો.પાણી ઉતરે તેની રાહ જોતા લોકો આખો દિવસ ગામથી બહાર પહોંચી શક્યા ન હતા.સરકારી તંત્ર પણ વણઝાર ખાડી વિસ્તારમાં પહોંચવાની દોડધામમાં પડ્યું હતું.
ધરમપુરમાં ખેડૂત પાઇપ કાઢતાં નદીમાં તણાયો
ધરમપુર તાલુકામાં થઇ વલસાડના સારંગપુર ગામના સિમાડેથી પસાર થતી ઔરંગા નદીના કાંઠે ખેડૂત સુમનભાઇ ઉ.વ.55ના એ ઉનાળા દરમિયાન ખેતરમાં પાણી ખેંચવા નદીમાં પાઇપ નાંખ્યો હતો. શુક્રવારે તેઓ નદીમાંથી પાઇપ કાઢવા ઉતર્યા બાદ પરત થતી વેળા અચાનક વહેણ વધી જતાં તેઓ બહાર નિકળી શક્યા ન હતા.
કલેકટરનું ટ્વિટ
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે કલેકટર સી.આર.ખરસાણે ટ્વિટ કરી અતિભારે વરસાદની સંભાવના હોવાના કારણે નદી કિનારે તથા નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સંદેશો જારી કર્યો હતો.આ સાથે કલેકટરે વહીવટી તંત્રને પણ સતર્ક કરી દીધું હતું. જોકે શનિવારે બપોર પછી વરસાદ ઓછા પડતા વહીવટી તંત્રએ રાહત અનુભવી હતી.
ધરમપુરમાં સોસાયટી જળબંબાકાર બની
સ્ટેટ હોસ્પિટલ સામે અક્ષરધામ કોમ્પ્લેક્ષ-સી વિંગના પાર્કિંગમાં ઘૂંટણ સમા પાણી જમા થવાની સાથે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો, હોટલમાં ભરાયેલા પાણીને લઇ વાસણો તરતા જણાયા હતા. પાલિકાની ટીમે પાણીના કરેલા નિકાલને લઇ રાહત અનુભવી હતી. કુમારશાળા અને પોસ્ટ ઓફિસની પાછળના ભાગે પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી.
ગવટખા તણાયેલા યુવકને બચાવાયો
કપરાડામાં ધોદમાર વરસાદ વરસી રહ્યો છે. ગવટખા યુવાન તણાઈ ગયો હતો ભારે જહેમત બાદ એક કિલોમીટર દોડા દોડી કરી બીજા છેડે જઈને માંડ બચાવ્યો હતો. જ્યારે કરચોન્ડ ગામના રસ્તા પર પાણી ભરી વળ્યાં હતા. પીપરોણી વારોલી જંગલ ગામના માર્ગ ઉપર પાણી ફરી વળ્યું છે. લોકોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. હજુ ઉપર વાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેથી લોકોએ માર્ગ ઉપર કે કોઝવે ઉપરથી અવરજવર કરવી જોખમ દેખાય રહ્યું છે. શાળા જતા આવતા બાળકોના વાલીઓ જાગૃત રહે તે ખૂબ જરૂરી છે. જોકે, મેઘરાજાનું આગમન થકી ખેડૂતો આનંદમાં આવી ગયા છે.આકાશમાં વાદળો પણ કાળા ભમર દેખાઈ રહ્યા છે વધુ વરસાદ પડવાની સંભાવના જણાઈ આવે છે. આ ઉપરાંત નદી-નાળા પણ છલકાઈ ઉઠ્યા હતા. નદીના કોઝવે પર પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી પડી હતી.