Saturday, September 18, 2021
Homeઅમદાવાદસૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 100 ટકા ભરાયેલા 37 જળાશયો હાઇએલર્ટ પર મૂકાયા

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 100 ટકા ભરાયેલા 37 જળાશયો હાઇએલર્ટ પર મૂકાયા

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદના પગલે સૌરાષ્ટ્રના મોટા ગામડાઓમાં સ્થિતિ ગંભીર બની છે. લોકોની ઘરો પાણીમાં ડૂબી જતા જીવ બચાવવા ધાબા પર ચડી ગયા હતા. ધોધમાર વરસાદનો પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રમાં આવેલા કુલ 141 જેટલા મોટામાંથી 37 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. હાલમાં આ તમામ ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જળાશયોમાં છલોછલ થતા પાણી છોડવામાં આવ્યું

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ડેમ 100 ટકા છલોછલ થઈ જતા તેને તૂટતા બચાવવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે આજી-4 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. રાજકોટમાં 7 મોટા ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જૂનાગઢના વંથલીનો ઓઝત-વિઅર ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે. ​​​​​​​

રાજકોટના ન્યારી-1 ડેમમાં પાણીની જોખમી સપાટી

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા પંથકમાં પડ્યો છે અને ત્યાંના પાણીનો પ્રવાહ લઈને આવતી મોટા ભાગની નદી ન્યારી નદીમાં ભળતાં ન્યારી-1 ડેમમાં પાણી આવે છે. એકદમથી ભારે વરસાદ આવતાં ન્યારી-1 ડેમની સપાટી જોખમી રીતે વધવાની શરૂ થઈ હતી. પાણીની આવક એટલી વધારે હતી કે મોડી રાત્રિના જ મનપાના ઈજનેરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ત્યારથી જ સિટી ઈજનેર એમ. આર. કામલિયા, ડેપ્યુટી ઈજનેર હિતેશ ટોળિયા સહિતનો સ્ટાફ સ્ટેન્ડ ટુ હતો અને દરેક મિનિટ ગણાતી હતી, જોખમ એટલું હતું કે નિર્ણયમાં થોડી પણ ક્ષતિ રહે તો ન્યારી ડેમના ઉપરવાસના અથવા નીચાણવાસનાં ગામોમાં તારાજી થઈ જાય એમ હતી.

જૂનાગઢના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ

જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા વિલીંગ્ડન, આણંદપુર અને હસ્નાપુર ડેમ ઓવર ફ્લો થતા હતા. ત્રણેય ડેમ ઓવરફ્લો થતા શહેરનું જળસંકટ દૂર થઇ ગયું છે. જ્યારે શહેરના નરસિંહ મહેતા સરોવરમાં પણ પાણીની ભારે આવક થતા સરોવર છલકી ઉઠ્યું હતું. ગિરનારના જંગલમાં પડેલા ભારે વરસાદના પગલે દામોદર કુંડ, સોનરખ અને કાળવો નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જ્યારે વિલીંગ્ડન ડેમ પણ ઓવરફલો થયાના સમાચાર મળતા અનેક લોકોએ વરસાદી નજારો માણવા માટે વિલીંગ્ડન ડેમ સાઇટ પર તેમજ દામોદર કુંડ તરફ દોડ લગાવી હતી. લોકો હાથ આવ્યું વાહન લઇ ડેમ તેમજ દામોદર કુંડે પહોંચી ગયા હતા.

જામનગરમાં એક રાતમાં 18 જળાશયો ભરાયા

​​​​​​​જામનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની હેત વરસાવતા એક જ રાતમાં શહેરને પાણી પૂરૂં પાડતા રણજીતસાગર સહિત 18 ડેમ ઓવરફલો થયા છે. મેઘરાજાની મહેરના કારણે જિલ્લાના 25માંથી 18 જળાશયો એક જ રાત્રીમાં ઓવરફલો થઇ ગયા હતાં. જેમાં આજી-4ના 50 દરવાજા 6 ફુટ, ઉંડ-1ના 17 દરવાજા 21 ફુટ, ઉંડ-2ના 33 દરવાજા 10 ફુટ, ફુલઝર(કો.બા.)ના 12 દરવાજા 7.87 ફુટ, ઉમિયા સાગરના 17 દરવાજા 8 ફુટ, કંકાવટી ડેમના 5 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા હતાં. ડેમ છલકાતા પાણીનું લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments