મહેસાણા જિલ્લા માટે રૂ. 287 કરોડની પાણી પૂરવઠા યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત.

0
0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વેપારના કેન્દ્ર મહેસાણામાં 287 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતુમુહર્ત કરતાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટેની અનેક યોજનાઓ શરૂ કરી અને પૂર્ણ પણ કરી દીધી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના સાશનમાં લોકો ભુલાઈ ગયેલા, લોકોના પ્રશ્નો વિસરાઈ ગયેલા અમે લોકસમસ્યાના સમાધાન કરી પ્રશ્નો હલ કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એવી સંસ્કૃતિ વિકસાવી છે કે, જેના ભૂમિપૂજન થાય તેના લોકાર્પણ પણ ભાજપ સરકારના સમયમાં જ થઇ જાય છે. ભૂતકાળમાં ખાતમુહર્તનો પાયો નંખાઈ ગયા પછી 12-15 વર્ષ કોઈપણ પ્રકારની કામગીરી થાય નહીં અને યોજના માટે ફાળવેલું બજેટ ચાર ગણું થઇ જાય તેવી સ્થિતિ હતી.

તેમણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની ભૂતકાળની પાણી પૂરવઠાની સ્થિતિની આલોચના કરતા કહ્યું કે, ફ્લોરાઇડવાળા, ક્ષારયુક્ત અને ડંકી કે બોરવેલના પાણી પીને લોકો હાથીપગા, હાડકાં તુટી જવા, દાંત પીળા પડી જવા રોગથી પીડાતા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બે દાયકા એટલે કે વર્ષ 2000 પહેલાં કોગ્રેસના શાસનોમાં રાજ્યમાં માત્ર 4700 ગામોમાં પાણી પૂરવઠા યોજનાઓ હતી. 24 ટકા લોકોને નળથી જળ મળતું અને બે બડા પાણી માટે બહેનોને ગાઉના ગાઉ જવું પડતું. જૂથ પાણી પૂરવઠા યોજનાઓની પાઇપલાઇન ભાંગી તૂટી હાલતમાં હોય અને છેવાડાના ગામને તો પાણી જ ન મળતું હોય એવી દશા હતી.

શ્રી વિજય રૂપાણીએ 1980 થી 90ના દાયકામાં રાજ્યમાં પાણીની જે વિકટ સ્થિતિ હતી તેનો ચિતાર આપતા ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં ટ્રેન દ્વારા પાણી, રાજ્યમાં ટેન્કરથી પાણી આપીને ટેન્કરરાજમાં ભ્રષ્ટાચાર થતો. પાણીના અભાવે લોકોને હિજરત કરવી પડતી.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પાણીની આવી વિકટ સ્થિતિના મૂળમાં કોંગ્રેસીઓની ભ્રષ્ટાચારી નીતિઓ અને અણઘડ આયોજન જવાબદાર છે. એમના સમયમાં માત્ર 8 હજાર કરોડનું વાર્ષિક બજેટ હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે 2 લાખ 10 હજાર કરોડનું બજેટ બનાવ્યું છે. એટલું જ નહીં, ભૂતકાળમાં માથાદીઠ 45 લીટર પાણી રોજ મળતું તે હવે 150 લીટર અપાય છે. અમે નો સોર્સ દૂર કરીને પાણીના નવા સોર્સ ઊભા કર્યા છે.

નર્મદા કેનાલ, સૌની યોજના, સુજલામ સુફલામ, ધરોઇ, કડાણા, ઉકાઇ જેવા મોટા ડેમ પરની વિવિધ યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ જ દિવસમાં રાજ્યમાં 2276 કરોડના કામો પાણી પૂરવઠા-સિંચાઇ માટેના શરૂ કર્યા છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, પાણી એ વિકાસની પ્રાથમિક જરૂરિયાત છે. ખેડૂતને પાણી, વીજળી, ખાતર, બિયારણ, ટેકાના ભાવે ખરીદી જેવી સવલતો મળે તો ગુજરાતનોખેડૂત આખા જગતની ભૂખ ભાંગવાની તાકાત પોતાના બાવડા માં ધરાવે છે.

તેમણે ખેડૂતોને આંદોલનના નામે ગુમરાહ કરી પોતાના રાજકીય હિતો સાધવા નીકળેલા કોંગ્રેસીઓને વેધક સવાલ કર્યો કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં ખેડૂત 18 ટકા વ્યાજે પૈસા લેતો, ટેકાના ભાવે એક પાઈની પણ ખરીદી થતી ન હતી.

તમારા ચૂંટણી ઢંઢેરામાં તમે જ APMC એક્ટને દુર કરી ખેડૂતને દેશભરમાં ફળ-ફળાદી સહિત માલ વેચવાની છુટનું વચન આપેલું હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ હિંમતભર્યું પગલું ભર્યું ત્યારે ક્યા મોઢે વિરોધ કરવા નીકળ્યા છો ? એમ પણ તેમણે સવાલ કર્યો હતો.

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં 15 હજાર કરોડ રૂપિયાની ખેત પેદાશોની ખરીદી કરી છે એટલું જ નહિ. ખેડૂતને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના, પુરતું સિંચાઈ માટે પાણી આપી જગતના તાતને સાચા અર્થમાં તાત બનાવ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને ઉર્જા સરપલ્સ જેમ જ વોટર સરપ્લસ સ્ટેટ બનાવવા પાણી, સિંચાઇ, કલ્પસર યોજના, નર્મદા યોજના જેવી અનેક યોજનાઓના સફળ અમલની કરાવવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, પીવાના પાણી અને સિંચાઇમાં ગુજરાત રાજ્ય આત્મનિર્ભર બને તે દિશામં મક્કમતાથી આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં શુધ્ધ પીવાનું પાણી પુરતી માત્રામાં આપવા આ સરકાર સંકલ્પબધ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ઉત્તર ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇ મોદીએ દેશના દરેક નાગરિકને શુધ્ધ પીવાનું પાણી આપવા માટે નલ સે જલ યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત આજે મહેસણા જિલ્લામં રૂ.૨૮૭ કરોડના વિવિધ પાણી પુરવઠા યોજનાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના ભૂતકાળ પર પ્રકાશ પડતાં જણાવ્યું હતું કે ભુતકાળમાં ઉત્તર ગુજરાતમાં પાણીની જરૂરીયાતને સંતોષવા ટ્યુબવેલનો ઉપયોગ કરવામાં આવતો હતો સમય જતાં પાણીની માંગ વધતાં ટ્યુબવેલની સંખ્યા વધી આજે ઉત્તરગુજરાતમાં પાણીના તળ નીચે જતાં હજારો ફુટ પાણી મળી રહ્યો છે. જેના ફળશ્રુતિ રૂપે ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઇડ વાળુ પાણી પીવાથી નાગરિકોમાં હાડકા નબળા પડતા ગયા છે.

1995 ના વર્ષથી સરકાર દ્વારા ખેડુતોના વીજબિલમાં વધારો કરવામાં આવ્યો નથી તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે ટ્યુબવેલનું વેઇટીંગ લીસ્ટ પુર્ણ કરવામાં આવ્યું છે. 02 લાખ ટ્યુબવેલને મંજુરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું ક રાજ્યમાં જુથ યોજનાઓનો પ્રારંભ ધરોઇ ડેમમાંથી થયો હતો તેની સફળતા બાદ સમગ્ર રાજ્યમાં તત્કાલી મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદષ્ટીએ નર્મદા ડેમ જૂથ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે આજે સરકારના સૂચારૂ આ આયોજન થકી ઉત્તર ગુજરાતમાં શુધ્ધ પીવાનું પાણી મળી રહ્યુ છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીએ નલ સે જલ યોજનાને સફળ બનાવી રાજ્યની 6.30 કરોડ જનતામાંથી ૪ કરોડ નાગરિકોને નર્મદાનું પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે તેનો શ્રેય દેશના વડાપ્રધાનને જાય છે. આ યોજનાની કામગીરી ખુબ ઝડપથી પુર્ણ કરવામાં આવે છે તેવું પણ ભારપુર્વક જણાવ્યું હતું.

પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાને પાણી પુરવઠા દ્વારા થઇ રહેલ કામોની વિવિધ માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદા આધારિત મહેસાણા જિલ્લાના ગામો માટે વધુ પાણી મેળવવા માટે રૂ 250 કરોડ જેટલી રકમની યોજના દ્વારા નર્મદા મેઇન કેનાલના મોઢેરા ઓફટેકથી 122 એમ.એલ.ડી પાણી ઉપાડવામાં આવશે જેમાંથી મહેસાણા શહેર માટે 47 એમ.એલ.ડીની જોગવાઇ રખાઇ છે. આ ઉપરાંત જિલ્લામાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ પેકેજ 1 ,પેકેજ 2 અને પેકેજ 3ના થઇ રહેલ કામોની માહિતી આપી હતી.

મહેસાણા જિલ્લામાં હયાત પીવાના પાણીની વ્યવસ્થાને સુદ્રઢ અને સક્ષમ બનાવવા માટે વિસનગર તાલુકાના ૫૪ ગામો અને મહેસાણા, વિસનગર અને ઉંઝા શહેર માટે નર્મદા મુખ્ય નહેર આધારિત રૂ.૪78.94 કરોડની ભાગ 1 તેમજ રૂપિયા 80.26 કરોડની ભાગ 2,71.53 કરોડની ભાગ 03 યોજનાઓનુ ખાતમુર્હુત કરાયુ હતું.

આ ઉપરાંત વડનગર અને ખેરાલું તાલુકાના 90 ગામો અને ખેરાલું તેમજ વડનગર શહેરની રૂ 39.42 કરોડની ધરોઇ જૂથ સુધારણા યોજનાનું ખાતમુર્હુત કરાયું હતું. જિલ્લાના સતલાણા તાલુકાના 70 ગામો માટે રૂ 0.25 કરોડની ધરોઇ જુથ સુધારણા યોજના અને બેચરાજી શહેર માટે રૂ 7.20 કરોડના 3 એમ.એલ.ડી ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુર્હૂત કરાયું હતું

રૂ. 287 કરોડની પાણી પુરવઠાની ૬ મહત્વાકાંક્ષી યોજનાઓના ખાતમુર્હુત પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલ, સંસદ સભ્ય પાટણ ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ જુગલસિંહ લોખંડવાલા, ધારાસભ્ય સર્વે ઋષિકેશભાઇ પટેલ, ડો આશાબેન પટેલ, અજમલજી ઠાકોર, કરશનભાઇ સોલંકી, રમણભાઇ પટેલ, પાણી પુરવઠાના ચેરેમન ધનંજ્ય દ્રિવેદી, સભ્ય સચિવશ્રી મયુરભાઇ મહેતા, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ., જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, યુ.જી.વી.સી.એલ એમડી મહેશસિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નવીનભાઇ, અગ્રણી જશુભાઇ સહિત પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here