વાયદા બજારમાં ક્રુડ ઓઈલ પહેલી વાર માઈનસમાં વેચાયું પણ તેનો ભારતને કોઈ ફાયદો નથી

0
8

બિઝનેસ ડેસ્ક : સોમવારે ક્રુડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) વાયદો ઐતિહાસીક રીતે પહેલી વાર માઈનસમાં ટ્રેડ થયો હતો. આમ થવાની સાથે જ અમેરિકન વાયદા બજારમાં જબરી ઉથલ પાથલ થઇ ગઈ હતી. આમ થવા પાછળનું કારણ જણાવતા જાણકારો કહે છે કે, હાજરમાં અપેક્ષા કરતા ડીમાંડ ઘણી ઓછી થઇ ગઈ છે અને તેના કારણે ડિલીવરી લેનારાઓ પાસે ક્રુડ ઓઈલને રાખવા માટે જગ્યા નથી જેના કારણે પૂરો થતો એપ્રિલ વાયદો મોટા પ્રમાણમાં કપાયો હતો. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા અમેરિકા સહીત વિશ્વભરમાં લોકડાઉન છે અને તેના કારણે ક્રુડ ઓઈલની માગમાં 30% જેટલો ઘટાડો થયો છે. ક્રુડ ઓઈલ ઉત્પાદક રાષ્ટ્રોના સમૂહ ઓપેકે મે મહિનામાં ઉત્પાદન ઘટાડવાની વાત કરી હતી પરંતુ લોકડાઉનની સ્થિતિમાં ડીમાંડ અપેક્ષા કરતા ઘણી જ નીચી રહેતા હાજારમાં ક્રુડના ભાવ પાછલા અમુક સમયથી ઘટી રહ્યા છે અને તેમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે.

ભારતને આનાથી કોઈ ફાયદો નહિ
કેડિયા કોમોડિટીઝના અજય કેડીયાએ જણાવ્યું હતું કે, હાજર બજાર અત્યારે ઘણું જ નીચું ચાલી રહ્યું છે ત્યારે અમેરિકન ક્રુડ ઓઈલ વાયદામાં થયેલા કડાકાથી ભારતને કોઈ ફાયદો થશે નહી. ભારત ટ્રેડીશનલી બ્રેન્ટ ક્રૂડતેલ ખરીદતું આવ્યું છે જે અત્યારે 24 ડોલર પ્રતિ બેરલ આસપાસ વેચાઈ રહ્યું છે. WTIના ભાવમાં થતી વધઘટ ઉપર ભારતને કોઈ ખાસ નિસ્બત નથી અને એટલે જ આપણને તેનાથી કોઈ ફાયદો જાણતો નથી. ભારત મુખ્યત્વે ઈરાન અને સાઉદી અરેબિયાના દેશો પાસેથી ક્રુડ તેલની ખરીદી કરે છે.

માગ કરતા પુરવઠો વધુ હોવાથી WTI વાયદો તુટ્યો
કોમોડિટી એનાલિસ્ટ બિરેન વકીલે જણાવ્યું કે, સોમવારે અમેરિકન ક્રુડ ઓઈલમાં જે થયું તેનું મૂળ કારણ હાજારમાં ઉત્પાદન વધુ છે અને તેની સામે માગ ઘણી ઓછી છે. એપ્રિલ વાયદો પૂરો થયો હોવાથી ઘણા ખરીદદારોએ ડિલીવરી લેવાનું વિચાર્યું પરંતુ માલ રાખવા માટે સ્ટોરેજની કોઈ જગ્યા ઉપલબ્ધ નથી. આજ કારણોથી લેનારાઓએ વાયદો સ્કેવર-ઓફ કર્યો અને WTI ક્રુડ ઓઈલ વાયદો ઇતિહાસમાં પહેલી વાર માઈનસ થઇ -37 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયું હતું. જોકે, આ એક મોમેન્ટમ કહી શકાય જે એક દિવસ પુરતું માર્યાદિત હતું.

અમેરિકી વાયદામાં ઇનસાઇડર ટ્રેડિંગની સંભાવના
વાયદા બજારના જાણકારો એવું પણ માની રહ્યા છે કે, WTI ક્રુડ વાયદો માઈનસમાં ટ્રેડ થયો તેમાં મોટા પ્રમાણમાં ખોટું થયું હોઈ શકે છે. ટેક્નિકલી વાયદો ક્યારેય પણ માઈનસમાં ટ્રેડ ન થઇ શકે. જો કોઈ ૦ (ઝીરો)થી નીચેની રકમ એન્ટર કરે તો તે સિસ્ટમ તેને સ્વીકારે જ નહિ. પરંતુ WTIમાં માઈનસમાં રકમ નાખવામાં આવી અને તે ટ્રેડ પણ થઇ હતી. આ બતાવે છે કે સિસ્ટમમાં કોઈ ફેરફાર થયા છે. આવું ત્યારે જ શક્ય બને જયારે પહેલાથી જ ખબર હોઈ કે આવી સ્થિતિ ઉભી થશે. આમાં મોટા પ્રમાણમાં ઇનસાઇડર ટ્રેડિંગ થયું હોવાની પૂરી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here