બહુચરાજી : પહેલીવાર મા બહુચરના ભક્તો ખાલી હાથ દર્શને આવ્યા, કોરોનાને કારણે શ્રીફળ-પ્રસાદ મંદિરની બહાર જ મૂકાવી દેવાયાં.

0
5

અમદાવાદના કૃષ્ણનગરથી હાથમાં માની ધજા અને શ્રીફળ પ્રસાદ લઇને પગપાળા આવેલા કિશનભાઇને બહુચર માતાજીના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ શ્રીફળ, ધજા અને પ્રસાદ રાખી દેવા કહેવાયું. કોરોનાને લઇ મંદિરમાં પ્રસાદ કે બીજી વસ્તુ લઇ જવા પર પ્રતિબંધ છે. ગનથી ટેમ્પરેચર માપ્યા બાદ દર્શનપથ પરથી આગળ વધી રહેલા કિશનભાઇએ કહ્યું, આમ તો અમે મિત્રવૃંદ છેલ્લા દશેક વર્ષથી દુર્ગાષ્ટમીના દિવસે અચૂક દર્શન કરવા આવીએ છીએ, પણ આ વર્ષે કોરોનાને લઇ મિત્રો તૈયાર ન થયા એટલે હું એકલો આવ્યો છું. ઘણા શ્રદ્ધાળુઓ મહિલા અને પુરુષોની લાઇનમાં ઊભેલા છે, જે દરેકના ચહેરા પર બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનાં દર્શન કરવાનો ભારે ઉમંગ છે. મહેસાણાના 55 વર્ષીય કાનજીભાઇ પટેલ દુર્ગાષ્ટમી હોઇ આજે ખાસ દેવીયજ્ઞના દર્શન કરવા આવ્યા છે. તેઓ કોરોના પછી પહેલીવાર દર્શન કરશે.

શ્રીફળ પ્રસાદ લઇને પગપાળા આવેલા શ્રદ્ધાળુ
(શ્રીફળ પ્રસાદ લઇને પગપાળા આવેલા શ્રદ્ધાળુ)

 

આ વર્ષે પચાસેક હજાર લોકો આવ્યા હશે

દર વર્ષે નવરાત્રિની અષ્ટમીએ અહીં હૈયેહૈયું દળાય તેવી ભીડ હોય છે, પરંતુ આ વર્ષે સંખ્યા થોડી ઓછી જરૂર છે, પણ શ્રદ્ધામાં ક્યાંય ઓટ દેખાતી નથી. સ્થાનિક વેપારીઓ મુજબ, દર વર્ષે દુર્ગાષ્ટમીએ દોઢેક લાખ લોકો દર્શન કરવા આવતા હોય છે, આ વર્ષે પચાસેક હજાર લોકો આવ્યા હશે. પૂજારી નિરવભાઇ રાવલ કહે છે, આ વર્ષે ભક્તોની સંખ્યા ઓછી છે. ઓનલાઇન દર્શનની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરાઇ છે. માનાં દર્શને આવેલા ભક્તો પહેલીવાર ખાલી હાથે જણાય છે. કોરોનાને લઇ શ્રીફળ કે અન્ય કોઇ પ્રસાદ મંદિરમાં લાવવાની મનાઇ હોઇ ભક્તો બે હાથ જોડી સૌના કલ્યાણની કામના સાથે દર્શન કરી આગળ વધી રહ્યા છે.