વડોદરામાં 51 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ગણેશ મંડળોની સાદાઇથી ઉજવણી, ક્યાંક દુકાન તો ક્યાંક ક્લબ હાઉસમાં શ્રીજીની સ્થાપના

0
0

વડોદરા શહેરમાં કોરોનાના વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તા ગણપતિ બાપાના ઉત્સવનો પ્રારંભ થયો હતો. જોકે શહેરના તમામ મોટા ગણેશ મંડળોએ કોરોના વાઈરસની ગાઇડલાઇન પ્રમાણે અને સાદાઇથી ગણેશોત્સવની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. 51 વર્ષથી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરનાર શામળ બેચરની પોળમાં કોવિડ-19ની ગાઇડના કારણે દુકાનમાં શ્રીજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવવામાં આવી રહ્યો છે.

શામળ બેચરની પોળમાં વર્ષ-1969થી ગણેશજીની સ્થાપના થાય છે
વડોદરાના માંડવી ખાતે આવેલી શામળ બેચરની પોળ યુવક મંડળના પ્રમુખ રાજેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી પોળમાં વર્ષ-1969થી ગણેશજીની સ્થાપના 10 દિવસ માટે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં દર વર્ષે ગણપતિની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી., ગણેશજી પ્રથમ પૂજનીય કેમ છે. ગણેશજીનો લગ્નોત્સવ, ગણેશજીનો રંગોત્સવ જેવા ગણેશજીના પ્રસંગોથી થીમ ઉપર મુવિંગ, મ્યુઝીકલ ડેકોરેશન કરવામાં આવતું હતું. પરંતુ, આ વખતે કોરોનાનું વિઘ્ન હોવાથી સરકારની ગાઇડલાઇન મુજબ ગણેશોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દુકાનની અંદર 2 ફૂટની ગણેશજીની પ્રતિમાના સ્થાપના કરી છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે અમે પંડાલ બાંધ્યો નથી. પોળમાં આવેલી એક દુકાનમાં જ ગણેશજીની બે ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પૂજારી સાંજ-સવાર શ્રીજીની પૂજા-આરતી કરશે. અને જે શ્રદ્ધાળુઓને આરતીમાં ભાગ લેવો હશે, તે માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભાગ લઇ શકશે. કોરોના સંક્રમણ વધે નહીં તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ વખતે પોળમાં જ પાણીનો કુંડ બનાવીને શ્રીજીની વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અમે ગણેશોત્સવની ઉજવણી માટે ફાળો પણ ઉઘરાવ્યો નથી. અમારી પોળની આસપાસમાં આવેલી દુકાનોમાંથી વેપારીઓ પાસેથી ફાળો ઉઘરાવતા હતા. પરંતુ, આ વખતે અમે ઉઘરાવ્યો નથી. કારણ કે, આ કોરોના લોકડાઉનના કારણે વેપારીઓ પણ આર્થિક મુશ્કેલીમાં હોવાથી અમે ફાળો ઉઘરાવ્યો નથી.

માંડવી ખાતે આવેલી શામળ બેચરની પોળમાં ગણપતિ સ્થાપના
(માંડવી ખાતે આવેલી શામળ બેચરની પોળમાં ગણપતિ સ્થાપના)

 

45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સાંસ્કૃતિક કાર્યક્રમો વિના ગણેશજીની સ્થાપના

વડોદરા શહેરના દાંડિયા બજારમાં આશિર્વાદ ગણેશના નામે સુપ્રસિદ્ધ શ્રીમંત એસ.વી.પી.સી. ટ્રસ્ટ દ્વારા આયોજીત ગણેશોત્સવ પણ કોઇપણ જાતના કાર્યક્રમ વિના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજારી મહેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, શ્રીજીની સ્થાપનાના 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોરાનાના કારણે કોઇપણ જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો વિના ગણેશજીની સ્થાપના કરવામાં આવનાર છે.

દાંડિયા બજારમાં આશિર્વાદ ગણેશની સ્થાપના
(દાંડિયા બજારમાં આશિર્વાદ ગણેશની સ્થાપના)

 

આશિર્વાદ ગણેશના દર્શન માટે PM મોદી, CM રૂપાણી અને અડવાણી આવી ચુક્યા છે

નોંધનીય છે કે, આશિર્વાદ ગણેશના દર્શનનો લાભ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપાના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, RSSના વડા મોહન ભાગવત સહિત રાજ્ય અને કેન્દ્રીય નેતાઓ આવી ચૂક્યા છે. અને તેઓના હસ્તે શ્રીજીને મુગુટ, પિતાંબર, સુવર્ણ જનોઇ, સહિત વિવિધ આભૂષણો ચઢાવવામાં આવ્યા છે.

શ્યામલ રેસિડેન્સીમાં કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે ગણેશજીની પૂજા-અર્ચના થશે

વાઘોડિયા રોડ પર આવેલી શ્યામલ રેસિડેન્સીના સેક્રેટરી કેતુલભાઇ પરીખે જણાવ્યું હતું કે, શ્યામલ રેસિડેન્સી સાર્વજનિક ગણેશ મહોત્સવનું આ વખતે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સોસાયટી પરિસરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ, કોરોનાની મહામારીના કારણે સોસાયટીના ક્લબ હાઉસમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. કોવિડ-19ની ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન પણ સોસાયટીમાં પાણીના બનાવવામાં આવનાર કુંડમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here