ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે 11 બેટ્સમેન અને એક્સ્ટ્રાઝનો ટોટલ પણ સિંગલ ડિજિટમાં જ રહ્યો

0
4

ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે કેપ્ટન વિરાટ કોહલીનો એક રેકોર્ડ તૂટી ગયો છે. વિરાટ પહેલીવાર ટોસ જીત્યા પછી મેચ હારી ગયો છે. કોહલીએ 2015માં ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળી. ત્યારથી આજ સુધી રમાયેલી ટેસ્ટમાં કોહલી 26 વાર ટોસ જીત્યો. 21 વાર ભારત જીત્યું, 4 ટેસ્ટ ડ્રો રહી અને આજે પહેલીવાર ભારત હાર્યું. આ સિવાય આ મેચમાં બનેલા અન્ય રેકોર્ડ્સ વિશે પણ જાણો.

પહેલીવાર 11 બેટ્સમેન અને એક્સ્ટ્રાઝનો ટોટલ પણ સિંગલ ડિજિટમાં જ રહ્યો
ટેસ્ટમાં પહેલવીર એવું થયું છે કે એક ઇનિંગ્સમાં બધા 11 બેટ્સમેન અને એક્સ્ટ્રાઝ પણ સિંગલ ડિજિટને ક્રોસ કરી શક્યા નથી. ભારત માટે મયંક અગ્રવાલે સર્વાધિક 9 રન કર્યા હતા. જ્યારે કાંગારુંએ એક્સ્ટ્રાઝનો એકપણ રન આપ્યો નહોતો. આ પહેલાં એવું એક જ વાર થયું છે કે 11એ બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હોય. પરંતુ ત્યારે એક્સ્ટ્રાઝનો ટોટલ ડબલ ડિજિટમાં હતો. 1924માં એજબસ્ટન ખાતે સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે 30 રનમાં ઓલઆઉટ થયું હતું, ત્યારે 30માં 11 રન એક્સ્ટ્રાઝના હતા.

35મી વખત ભારત એશિયાની બહાર સીરિઝની પહેલી મેચ હાર્યું
એશિયાની બહાર રમતી વખતે ભારત 35મી વાર સીરિઝની પહેલી મેચ હાર્યું છે. અગાઉની 34માંથી 31 વાર ભારત સીરિઝ હાર્યું હતું, જ્યારે ત્રણ વાર સીરિઝ ડ્રો રહી હતી. 1980માં ઓસ્ટ્રેલિયા, 2002માં ઇંગ્લેન્ડ અને 2010માં દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ ડ્રો રહી હતી.

કમિન્સની 21.26ની બોલિંગ એવરેજ
પેટ કમિન્સની બોલિંગ એવરેજ અત્યારે 21.26 છે. ટેસ્ટમાં છેલ્લા 50 વર્ષમાં 50થી વધુ વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં માત્ર ભારતના જસપ્રીત બુમરાહ (20.50) અને વેસ્ટ ઇન્ડિઝના માલકોલ્મ માર્શલ (20.94), જોઇલ ગાર્નર (20.97) અને કર્ટલી એમ્બ્રોસ (20.99)ની એવરેજ કમિન્સ કરતા સારી છે. બોલિંગ એવરેજ એટલે એક બોલર દર કેટલા રને એક વિકેટ ઝડપે છે. 21ની એવરેજ એટલે દર 21 રન આપ્યા બાદ 1 વિકેટ ઝડપે છે.

હેઝલવૂડનો ઓસ્ટ્રેલિયામાં 73 વર્ષનો સૌથી ઇકોનોમિકલ સ્પેલ
ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડે 5 વિકેટ લેનાર બોલર્સ દ્વારા છેલ્લા 73 વર્ષનો સૌથી ઈકોનોમિકલ સ્પેલ નાખ્યો છે. તેણે 5 ઓવરમાં 3 મેડન નાખી, 8 રન આપ્યા અને 5 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા.

દર 46 બોલે વિકેટ ઝડપે છે કમિન્સ, ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 112 વર્ષમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ
પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમતી વખતે 46.3ની સ્ટ્રાઇક રેટ છે. મતલબ કે તે દર 46 બોલે એક વિકેટ ઝડપે છે. આ ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 112 વર્ષમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ છે.

લાયને બોલિંગ ન કરી
ઓફ-સ્પિનર નેથન લાયને કરિયરમાં ત્રીજીવાર અને 2012 પછી પહેલીવાર આખી ઇનિંગ્સમાં બોલિંગ કરી નહીં. ફાસ્ટ બોલર્સે એવો આતંક મચાવ્યો કે સ્પિનરની જરૂર જ પડી નહીં.

ડે-નાઈટ ટેસ્ટમાં કાંગારું અપરાજિત
ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા હજી સુધી એકપણ મેચ હાર્યું નથી. ભારત સામે સમાપ્ત થયેલી મેચ સહિત ઓસ્ટ્રેલિયા 8માંથી 8 મેચ જીત્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here