તાપી : 10 લાખ માગનાર જિલ્લા શિક્ષણાધિકારીના ઘરેથી ઝડપાયો વિદેશી દારૂ

0
0

તાપીના શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા છે. સાથે ક્લાર્કની પણ ધરપકડ કરવામાં આવી છે. તાપી જિલ્લામા આવેલી એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ મંગળભાઈ પટેલે 10 લાખની લાંચ માંગી હતી. જેમાં પૈસાની ડિલવરી દરમિયાન ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા.

ધરપકડ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે તપાસ હાથ ધરતા તેમના રહેણાંક ફ્લેટમાં બેડરૂમમાં બોક્સ પલંગમાં વિવિધ બ્રાન્ડની ચાર દારૂની બોટલ મળી આવી હતી. ભરત પટેલના બેડરૂમમાં બોક્સ પલંગમાં વિવિધ બ્રાન્ડની ચાર દારૂની બોટલ કિંમત 5 હજાર જેટલી છે. ત્યારે એસીબીએ વ્યારા પોલીસને દારૂની બોટલો જમા કરાવી શિક્ષણ અધિકારી વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધાવ્યો હતો.

શાળાને આપેલી નોટિસ પરત ખેંચવા માંગ્યા હતા 10 લાખ

તાપી જિલ્લામાં ટ્રસ્ટ સંચાલિત એક શાળામાં તાપી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ મંગળભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કેટલાક મુદ્દાઓ સામે આવતા તેની પુર્તતા કરવા માટે શાળાને નોટિસ ફાટકારી હતી. જે મુદ્દાઓની શાળા તરફથી પુર્તતા કરવામાં આવી હતી. તેમ છતાં અન્ય કેટલાક મુદ્દાઓને લઈ ફરીથી શાળાને જિલ્લા શિક્ષણ અધિકારી પટેલે નોટિસ મોકલી હતી. આથી શાળાના આચાર્યએ રૂબરૂ મુલાકાત કરી જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પુર્તતા અંગે ખુલાસો કર્યો હતો.

ત્યાર બાદ શિક્ષણાધિકારીએ નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા માટે રૂ. 10 લાખની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે તાપી જિલ્લા એલ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદને આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.

છટકું દરમ્યાન જિલ્લા શિક્ષણ અધિકારીએ લાંચની રકમ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીના ક્લાર્ક રવિન્દ્ર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને આપવા જણાવતા ફરિયાદી લાંચની રકમ લઈ રવિન્દ્રને આપવા ગયા હતા. પરંતુ રવિન્દ્રને એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હોવાની શંકા જતા તેણે લાંચ સ્વીકારી ન હતી. દરમ્યાન લાંચના છટકા દરમ્યાન એકત્રિત થયેલા પુરાવાના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલ અને ક્લાર્ક રવિન્દ્ર પટેલે સામે લાંચની માંગણીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. કલાસ 1 અધિકારી દ્વારા રૂ.10 લાખની લાંચ માંગવાની ઘટનાને લઈ તાપી જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો હતો.

આ પહેલા પણ જિલ્લા શિક્ષણાધિકારી ચર્ચામાં આવી ચુક્યા છે. મહિલાના વિવાદને કારણે અગાઉ તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here