Saturday, April 20, 2024
Homeવનવિભાગ એલર્ટ : ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનાં લક્ષણ અંગે ઓબ્ઝર્વેશન રાખવા...
Array

વનવિભાગ એલર્ટ : ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનાં લક્ષણ અંગે ઓબ્ઝર્વેશન રાખવા સૂચના

- Advertisement -

હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે એશિયાઇ સિંહોનું ઘર એવા ગુજરાતમાં જંગલ વિસ્તાર અને ઝૂમાં રહેલા તમામ સિંહમાં કોરોના લક્ષણો અંગે ઓબ્ઝર્વેશન રાખવા જંગલના ટ્રેકર્સ અને ઝૂના કેર ટેકર્સને સૂચના આપવામાં આવી છે. ઝૂના વેટરનરી ડોક્ટર્સને પણ આ બાબતે સાવચેત રહેવા જણાવાયું છે.

એસિયાટીક લાયન, સાસણગીર અભ્યારણ્ય - ફાઇલ તસવીર
એસિયાટીક લાયન, સાસણગીર અભ્યારણ્ય – ફાઇલ તસવીર

સ્ટાફને પ્રાણીઓથી દૂર રહેવા આદેશ
વન વિભાગના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટીકાદારે કહ્યું કે, હૈદરાબાદ ઝૂમાં સિંહ કોરોના સંક્રમિત થવાના બનાવ બાદ અમે વિશેષ તકેદારી રાખી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર દ્વારા પણ આ મામલે એડવાઇઝરી મોકલવામાં આવી છે. રાજ્યમાં જૂનાગઢ સક્કરબાગ, કેવડિયા સરદાર પાર્ક, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત 8 જેટલા મોટા ઝૂમાં સિંહ અને અન્ય પ્રાણીઓનું ઓબ્ઝર્વેશન કરવા તેમજ કેર ટેકર્સ અને સ્ટાફના આરટીપીસીઆર ટેસ્ટ કરવા જણાવવામાં આવ્યું છે. ટેસ્ટ રીપોર્ટ ન આવે ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ ઝૂમાં સેનિટાઇઝેશન માટે તાકીદ કરવામા આવી છે.

એસિયાટીક લાયન, સાસણગીર અભ્યારણ્ય - ફાઇલ તસવીર
એસિયાટીક લાયન, સાસણગીર અભ્યારણ્ય – ફાઇલ તસવીર

લક્ષણો જણાય તો તાત્કાલિક જણાવવાનું કહ્યું
જંગલ વિસ્તારમાં સંક્રમણની શક્યતા ઓછી હોય છે પરંતુ સિંહ રેવન્યુ વિસ્તારમાં પણ ફરતા હોવાથી વન વિભાગના ટ્રેકર્સને પણ સિંહની વર્તણૂંક, ખાંસી આવવી કે નાકમાંથી પાણી નીકળતું હોય, ખોરાક ન લેતા હોય તેવા કોઇ લક્ષણો જણાય તો તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના આપવામા આવી છે.

એસિયાટીક લાયન, સાસણગીર અભ્યારણ્ય - ફાઇલ તસવીર
એસિયાટીક લાયન, સાસણગીર અભ્યારણ્ય – ફાઇલ તસવીર

સિંહના ટેસ્ટ માટે વ્યવસ્થા નથી
હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાનાં લક્ષણો જણાતા સિંહના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં સિંહના ટેસ્ટ કરવા માટેની કિટ કે અન્ય કોઈ વ્યવસ્થા નથી. જોકે લક્ષણો નહીં જણાય ત્યાં સુધી સિંહના ટેસ્ટ કરવામાં નહીં આવે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં ઓબ્ઝર્વેશન અને સ્ટાફના ટેસ્ટ માટેની સૂચના વન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

મ. પ્રદેશમાં ટાઈગર રિઝર્વ બંધ, પ્રાણીઓને દવા આપવાનું શરૂ
હૈદરાબાદના ઝૂમાં આઠ સિંહને કોરોના થયા પછી ભોપાલમાં વન વિહાર સહિત મધ્ય પ્રદેશના તમામ ટાઈગર રિઝર્વ, સેન્ચુરી અને ઝૂમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. વન વિહારમાં વન્ય પ્રાણીઓના પાંજરા રોજેરોજ સેનિટાઈઝ કરાઈ રહ્યા છે. આ ઉપરાંત માંસ ગરમ પાણીમાં ઉકાળીને તેમજ એન્ટી વાઈરલ દવાઓ સાથે અપાઈ રહ્યું છે. તેમની દેખરેખ રાખનારા તમામ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ છે કે નહીં તે પણ સુનિશ્ચિત કરાયું છે. ઈન્દોર, ગ્વાલિયરના ઝૂ મેનેજમેન્ટે વન્ય પ્રાણીઓને મિનરલ્સ આપવાનું પણ શરૂ કરી દીધું છે, જેથી તેઓ સંક્રમણનો સામનો કરી શકે. એવી જ રીતે, શાકાહારી પ્રાણીઓને મીઠાના પાણીમાં ધોયેલું ઘાસ અપાય છે.

તમામ પશુની નિયમિત તપાસ થાય છે
વાઈલ્ડલાઈફ મુખ્ય મથકના એપીસીસીએફ જે.એસ. ચૌહાણના મતે સાતપુડા, બાંધવગઢ, કાન્હા, પેંચ, સંજય ડુબરી સહિત તમામ ટાઈગર રિઝર્વ, સેન્ચુરી આગામી આદેશ સુધી બંધ કરી દેવાયા છે. અહીં એપ્રિલના પહેલા અઠવાડિયાથી એનટીસીએની સુરક્ષા એડવાઈઝરી લાગુ કરી દેવાઈ છે. આ દરમિયાન વન વિહારના પશુ ચિકિત્સક અતુલ ગુપ્તાએ કહ્યું કે, અહીં તમામ પ્રાણીઓની નિયમિત તપાસ કરાય છે. હજુ કોઈમાં સંક્રમણના લક્ષણ નથી મળ્યાં. જાનવરોની દેખરેખ કરતા કર્મચારીઓને પણ વેક્સિન અપાઈ છે. તેમને માસ્ક, બૂટ, ગ્લવ્ઝ અને માથા પર કેપ પહેરીને જ પ્રાણીઓ નજીક જવાની મંજૂરી છે. આ ઉપરાંત પ્રાણીઓ પાસે જતાં તમામના હાથ-પગ પોટેશિયમના પાણીથી ધોવાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular