મહેસાણા : દૂધસાગર ડેરીની ચૂંટણીની જાહેરાતના ગણતરીના કલાકોમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ

0
10

મહેસાણાના દૂધસાગર ડેરીના રૂ. 22 કરોડના સાગરદાણ કૌભાંડ મામલે ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની મોડી રાતે CID ક્રાઈમની ટીમે ગાંધીનગરથી ધરપકડ કરી છે. મહેસાણાની દૂધસાગર ડેરીની 5મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવા શનિવારે સત્તાવાર જાહેરાત કરવા આવી હતી અને ગણતરીના કલાકોમાં જ તેમની ધરપકડ કરી દેવાઇ છે.

ડેરીના નાણાંની હેરાફેરીનો અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો

ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે, વિપુલ ચૌધરીએ ડેરીનાં કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહનરૂપે આપી રૂ. 12 કરોડની ચૂકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગર દાણ કૌભાંડનાં રૂ. 9 કરોડ જમા કરાવવાના હતા તે રકમમાં ભરપાઈ કરી છે અશોક ચૌધરીએ વધુમાં આરોપ લગાવ્યો કે, વિપુલે એક ષડયંત્ર રચીને આ પ્રકારે ડેરીના નાણાંની હેરાફેરી કરી છે.

વિપુલ ચૌધરીને જોડીયાની દૂધ મંડળીમાંથી હટાવવા નોટિસ અપાઈ હતી

જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કલમ-23 હેઠળ વિપુલ ચૌધરીને દૂધ મંડળીમાં સભ્ય પદેથી દૂર કેમ ન કરવા તેનો ખુલાસો એટલે કે તા. 8 સુધીમાં કરવા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. રજિસ્ટ્રારના કહેવા મુજબ ગામના રહેવાસી હોય તે ગામની મંડળીમાં સભ્યપદ રહી શકે છે, વિપુલભાઈ જોડીયા ગામના રહેવાસી નથી.

2019માં આ કેસમાં તહોમતનામું મંજૂર કરાયું હતું

ગયા વર્ષે એટલે કે 2019ના ઓક્ટોબર મહિનામાં મહેસાણા કોર્ટે દૂધ સાગર ડેરીમાં 22 કરોડના સાગરદાણ કૌભાંડ મામલામાં વિપુલ ચૌધરી સહિત કુલ 22 વ્યક્તિઓ સામે 5 વર્ષ બાદ તહોમતનામું મંજૂર કરાયુ હતું. વિપુલ ચૌધરીએ રૂપિયા 22 કરોડનું સાગર દાણ મહારાષ્ટ્રમાં આપ્યું હતું. જે મામલે ઘડાયેલા તહોમતનામામાં વિપુલ ચૌધરી સહિત અન્ય તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા.

કોણ છે વિપુલ ચૌધરી?

વર્ષ 1995માં ભાજપની કેશુભાઈની સરકાર સામે બળવા બાદ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં વિપુલ ચૌધરી ગૃહ પ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. જોકે બાદમાં શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઊભા થતાં તેમનો સાથ છોડી દીધો હતો અને ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here