પૂર્વ CM શંકરસિંહનું NCPમાંથી રાજીનામું, 50 વર્ષમાં પાંચ અને છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ પક્ષ છોડ્યાં

0
2

અમદાવાદ. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા NCP(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તાજેતરમાં NCPએ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી જયંત પટેલ(બોસ્કી)ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ તેની 50 વર્ષની રાજકીય કરિયરમાં અત્યાર સુધીમાં 5 પક્ષ બદલી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2017થી લઈ 2020 સુધીમાં એટલે કે ત્રણ વર્ષમાં જ ત્રણ પક્ષ બદલ્યાં છે. હવે શંકરસિંહ વાઘેલા ‘પ્રજા શક્તિ મોરચો’ નામની નવી પાર્ટી બનાવશે. ત્યાર બાદ આ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારશે. જો કે, આ પહેલા પણ શંકરસિંહે રાજપા(રાષ્ટ્રીય જનતા પાર્ટી) અને જન વિકલ્પ પાર્ટીની રચના કરી હતી.

શંકરસિંહે અત્યાર સુધીમાં કયા કયા પક્ષ છોડ્યાં

સૌ પહેલા તેઓ ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડ મંત્રી પણ બન્યા. જો કે 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતા તેઓ જૂન 2019માં NCPમાં જોડાયા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.