પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને 6 મહિના થયા બાદ પણ હજી સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. અંદાજે 6 મહિના સુધીના સમય બાદ પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હજી સુધી આ હત્યાના આરોપી મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિશિલ થોરાત ફરાર છેપોલીસે અત્યાર સુધી છબીલ પટેલ અને બન્ને શૂટરોની ધરપકડ કરી છે. જો આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થાય તો છબીલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મનિષા ગોસ્વામીને પોલીસ પકડે તો હત્યા કેસમાં નવો વળાંક આવી શકે છે.
સૂત્રો પાસેથી માહિતી મુજબ છબીલ પટેલ ભાગેડું આરોપીઓને હાજર ન થવા માટે રૂપિયા પહોંચાડી રહ્યો છે. હાલમાં છબીલ પટેલના સાગરીતો સુરજીત અને નિશિલના પરિવારને રૂપિયા પહોંચાડી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગત 7 જાન્યુઆરી, 2019ના રોજ ચાલુ ટ્રેનમાં જયંતી ભાનુશાળીની હત્યા થઈ હતી.
આ મામલે પોલીસે તપાસ કરતા છબીલ પટેલ, મનિષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિશિલ થોરાતનું નામ સામે આવ્યુ હતું. જો કે આ કેસને લઇને પોલીસ સમક્ષ છબીલ પટેલ હાજર થયો હતો. પોલીસને મનીષાનું છેલ્લુ લોકેશન પુણે હોવાનું જાણવા મળ્યુ હતું. આમ આ હત્યાને 6 મહિના વીત્યા બાદ પણ હજી સુધી આરોપીઓને પોલીસ પકડી શકી નથી. જેથી પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.