ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રિ ઉત્સવ રાજકીય નેતાઓ પોતાની જનસંપર્ક કરવાની તક છોડતા નથી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. પાટીદાર સમાજના ખોડલધામ વરાછા ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય પ્રતાપ દુઘાત અને યુવા અને સામાજિક આગેવાન અલ્પેશ કથીરિયા, ધાર્મિક મલાવીયા સહિતના પાટીદાર સમાજના આગેવાનો સાથે માતાજીની આરતીનો લાભ લીધો હતો.
ઓલપાડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે દર્શન નાયકનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. દર્શન નાયક ખૂબ જ સક્રિય કોંગ્રેસ નેતા તરીકે ઓલપાડ તાલુકામાં જાણીતા છે. ઓલપાડ તાલુકાની બેઠકમાં સુરતના મોટા વરાછા વિસ્તારના પાટીદાર મતદારોની સંખ્યા ખૂબ વધારે છે. જે ઓલપાડ બેઠકના પરિણામો પર સીધી અસર કરી શકે છે. ખોડલધામ દ્વારા યોજાયેલા ગરબા મહોત્સવમાં દર્શન નાયકની સૂચક હાજરી રાજકીય રીતે પણ ખૂબ મહત્વની બની રહી છે.
કોંગ્રેસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવવાની ચર્ચા છે. જેમાં સુરતની ઓલપાડ અને કામરેજ બેઠકના નામ પણ જાહેર થઈ શકે છે. જોકે કોંગ્રેસના નેતાઓ દ્વારા દર્શન નાયકને ઓલપાડ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે એવો ગર્ભિત ઈશારો કરી દેવામાં આવ્યો છે. જેને કારણે દર્શન નાયક સક્રિય રીતે લોકસંપર્ક શરૂ કરી દીધો છે. કોંગ્રેસના કામરેજ બેઠકના સંભવિત ઉમેદવાર પાટીદાર ગરબા પ્રવેશ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ઓલપાડ બેઠકના દર્શન નાયકની લોકપ્રિયતા અને સક્રિયતા ખૂબ વધારે છે. દર્શન નાયક ઓલપાડ બેઠક ઉપરથી જો ચૂંટણી લડે તો મોટા વરાછાના પાટીદારોનો તેમને સમર્થન મળવું જરૂરી છે. કામરેજની બેઠક કરતા ઓલપાડ ની બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર સારી લડત આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.