ખેડૂત આંદોલનને સમેટવા ફોર્મ્યુલા તૈયાર, પણ PMO શોધે છે મજબૂત મધ્યસ્થી, આંદોલન બીજાં રાજ્યોમાં વકરે નહીં એ માટે ડેમેજ કન્ટ્રોલની કવાયત

0
11

કૃષિ બિલને પરત લેવાની વાત સાથે આજે ખેડૂત આંદોલનનો 10મો દિવસ છે. ખેડૂતના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય કૃષિમંત્રી વચ્ચેની સાત-સાત કલાકની મેરેથોન મીટિંગ છતાં મુદ્દાનું સમાધાન ન આવતાં હવે વડાપ્રધાન પોતે મેદાનમાં આવ્યા છે. આ મુદ્દામાં સમાધાન લાવવા PM મોદીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે. ખેડૂતોના મુદ્દાઓને સ્થાન અપાયું છે, જેમાં MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈસ બંધ નહીં થાય એની ખાતરી અપાશે. APMC માર્કેટ બંધ નહીં થાય અને એને મજબૂત બનાવાશે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને કોર્ટમાં જવાની છૂટ પણ મળી શકે છે. વીજળી સંશોધન બિલ વિચાર કરવા સરકાર તૈયારી બતાવશે. આ તમામ મુદ્દાઓને આવરીને ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ફોર્મ્યુલાને ખેડૂતો સુધી લઈ જવા માટે કેન્દ્ર સરકાર એક મજબૂત મધ્યસ્થી શોધી રહી છે, સાથે ખેડૂત આંદોલનની અવળી અસર ન થાય અને બીજાં રાજ્યોમાં એ ફેલાઈ નહીં એ માટે ડેમેજ કંટ્રોલની પણ કવાયત શરૂ કરાઈ છે. પંજાબ અને હરિયાણામાં ભાજપ પાસે ખેડૂત નેતાની ખોટ છે, આથી આ રાજ્યમાં ખેડૂત આંદોલન વકર્યું છે.

ખેડૂતો સાથેની બેઠક પહેલાં PM મોદીએ મંત્રીઓ સાથે બે કલાક સુધી મીટિંગ કરી, શાહ-રાજનાથ પણ હાજર રહ્યા

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હી બોર્ડર પર ભેગા થયા છે, સાથે જ આ મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. શનિવારે ખેડૂત સંગઠનો સાથે પાંચમી બેઠક પહેલાં આ મહત્ત્વની મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.

વડાપ્રધાન મોદી સાથે ખેડૂત આંદોલન અંગે ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલની બેઠક લગભગ 11.40 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી.

બપોરે 2 વાગ્યે ખેડૂતો સાથે બેઠક

બેઠક પહેલાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે આજે બપોરે 2 વાગ્યે ખેડૂતો સાથે એક બેઠક કરવાની છે. મને ઘણી આશા છે કે ખેડૂત સકારાત્મક વિચારશે અને આંદોલન સમાપ્ત કરશે.

તો આ તરફ કિસાન મહાપંચાયતના નેતા રામપાલ જાટે કહ્યું હતું કે સરકારે ત્રણ કાળા કાયદાને પાછા લેવાની જાહેરાત કરવી જોઈએ અને તેમણે લેખિતમાં આપવું પડશે કે MSP યથાવત્ રહે, જો આજની બેઠકનું સકારાત્મક પરિણામ નહીં આવે તો રાજસ્થાનના ખેડૂત NH-8 સાથે દિલ્હી તરફ માર્ચ કરશે અને જંતરમંતર પર ધામા નાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here