ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી ગુજરાત ફલોરો લીમીટેડ કંપનીમાં 6 વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીને નોકરીમાંથી છુટો કરી દેવામાં આવતાં તેણે કંપનીની એચઆર ઓફિસમાં જ મોનોકોટો નામની દવા અને ડેટોલ પી જઇ આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી હતી. તેને કંપનીની એમ્બયુલન્સમાં સારવાર માટે ભરૂચની ખાનગી કંપનીમાં ખસેડવામાં આવ્યો હતો. પોતે ભરેલા પગલાં તેણે કંપનીના ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરી તેમના દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરી હતી.
દહેજની જીએફએલ કંપનીમાં કામ કરતાં કર્મચારીએ એચઆર ઓફિસમાં જ ડેટોલ અને મોનાકોટા નામની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. કંપનીના કર્મચારી દેવેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર તે છેલ્લા છ વર્ષથી જીએફએલ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. બુધવારના રોજ કંપનીના એચઆર વિભાગના અધિકારીઓએ તેને કેબીનમાં બોલાવ્યો હતો અને આવતીકાલે ગુરૂવારથી નોકરી પર નહિ આવવા જણાવ્યું હતું. તેણે અધિકારીઓને કારણ પૂછતા યોગ્ય જવાબ નહી મળતાં તે હતાશ થઇ ગયો હતો. તેણે એચઆર ઓફિસમાં જ ડેટોલ અને મોનોકોટા નામક દવા પી લીધી હતી. તેની તબિયત લથડી જતાં તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાને રહેલા દેવેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેને કોઇ પણ યોગ્ય કારણ વિના નોકરીમાંથી છુટો કરી દેવાયો છે. થોડા મહિના પહેલા કંપનીએ કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દેતાં તેમણે કંપનીના ગેટની સામે જ ધરણા શરૂ કરી દીધાં હતાં. આ બાબતની રીસ રાખીને કંપની તરફથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. કંપનીના મામલામાં રાજકારણીઓને કેમ બોલાવ્યાં સહિતની બાબતોને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી. જો કે કંપનીએ તમામ આક્ષેપોને નકારી કાઢયાં છે.
નોકરીમાંથી કાઢવાનું કારણ નહીં આપતા HR ઓફિસમાં દવા ગટગટાવી
દહેજની GFL કંપનીમાંથી છુટો કરાતાં કર્મચારીનો દવા પી આપઘાતનો પ્રયાસ
દહેજની જીએફએલ કંપનીમાં આપઘાતનો પ્રયાસ કરનાર કર્મચારી તસ્વીરમાં નજરે પડે છે.