રાજકોટના યુવાનને કોરોના વાઇરસની દ્રઢ શંકા, નમૂના પુના મોકલાયા, પરિવારના 14 લોકોને પણ કવોરન્ટાઇન કરાયા

0
22

રાજકોટઃ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તંત્રએ પોઝિટિવ કેસ સમજી તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 14 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા હતા. જેને લઇને આરોગ્ય વિભાગમાં ઉચાટ જોવા મળી રહ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે CN24NEWS ને જણાવ્યું છે કે, રિપોર્ટ મોડી રાત્રે અથવા કાલે સવારે આવે તેવી શક્યતા છે.

મક્કા ગયેલો યુવાન ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો

જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષનો યુવાન મક્કા મદીના ગયો હતો અને ત્યાંથી ચાર દિવસ પૂર્વે જ રાજકોટ આવ્યો હતો. રાજકોટ આવ્યા બાદ તેમને શરદી અને તાવની તકલીફ થતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની શંકાએ યુવાનના લોહી, કફના નમૂના લઇ જામનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જામનગર લેબોરેટરીમાં સેમ્પલ પરથી નિદાન સ્પષ્ટ થયું નહોતું અને કોરોનાની શંકા દ્રઢ બનતા સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલી દેવાયા છે.

14 લોકોને કવોરન્ટાઇન કર્યાં

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, જામનગરની લેબોરેટરીમાં પૃથક્કરણ બાદ કોઇ બાબત સ્પષ્ટ નહીં થતાં વધુ નિદાન માટે સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. બીજીબાજુ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પણ કહ્યું હતું કે, દર્દીનો રિપોર્ટ હજુ સુધી સ્પષ્ટ થયો નથી, પરંતુ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા છે. વૃદ્ધના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા 14 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પથિકાશ્રમ અને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. યુવકનો રિપોર્ટ હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ જતાં યુવકને કોરોના હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઇ ગઇ હતી.

76 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ

સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની ઉપર બીજા માળે આવેલા આઈસોલેશન વોર્ડની સામે આવેલા ટીબી વોર્ડ તેમજ નીચેના માળે આવેલા પ્રસુતિ વિભાગના દર્દીઓની સલામતી માટે તેમની લિફ્ટ અલગ કરી દેવામાં આવી છે તેમજ તેમના એક જ સંબંધીને હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં હાલ 76 લોકો કોરોનાના શંકાસ્પદ કેસ હોવાથી આરોગ્ય વિભાગે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here