સુરત : હાથરસ જેવી હેવાનિયત..! માનસિક બીમાર મહિલા સાથે દરિંદગી : હાથે પગે ફ્રેક્ચર – મોઢા પર ગંભીર ઇજાઓ

0
17

રાજ્યમાં હવે મહિલાઓ સલામત નથી, દિવસને દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં હાથરસ જેવી હેવાનિયત ભરી વારદાત સામે આવી છે. પલસાણામાં રેલવે ટ્રેક પાસે એક ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી હતી પ્રાથમિક અહેવાલો મુજબ મહિલાની દુષ્કર્મ આચરી ઇજાગ્રસ્ત કરી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવી હતી. નજીકના લોકોના જણાવ્યા મુજબ, મહિલા માનસિક રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. 108 મારફતે મહિલાને સારવાર માટે સિવિલ ખસેડાય હતી. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેણીને દાખલ કરી દેવાઈ હતી. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત મહિલા માનસિક બીમાર હોવાનું ગામવાસીઓએ કહેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ઘટના સ્થળ પર મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. ગુપ્તભાગે લોહી નીકળતી હાલતમાં મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલાના હાથે પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાય રહી હતી.

પ્રાથમિક તપાસ મુજબ, ઇજાગ્રસ્ત મહિલા ગાંગપુર ગામમાં રખડતું જીવન જીવતી હોવાનું લોકોએ જોયું છે. એટલું જ નહીં પણ માનસિક બીમાર મહિલાને કોઈએ પોતાની હવસનો શિકાર બનાવી રેલવે ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોય એ વાતને પણ નકારી નહીં શકાય. જોકે, સિવિલના કેટલાક મેડિકલ ઓફિસરે પણ મહિલા માનસિક બીમાર લાગી રહી હોવાનો અભિપ્રાય આપ્યો છે. જોકે, હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ અને ગાયનેક અને માનસિક વિભાગના ડોક્ટરોના સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત સિવિલના નિવેદન મુજબ, મહિલાના શરીર પર સામાન્ય ઇજાઓ હતી. જાંઘ, માથાના ભાગે ઈજા, હોઠ કપાયેલી હાલતમાં હતા અને ગુપ્તભાગેથી લોહી નીકળતું હતું. તમામ ઇજાઓ 24 કલાક પહેલાંની હોવાનું કહી શકાય છે. ઇજાગ્રસ્ત મહિલાની મહિલા પરિચરિકાને સાથે રાખી તપાસ કર્યા બાદ એવી આશંકા લાગી રહી છે કે, અજાણી મહિલા પર દુષ્કર્મ આચરીને ફેંકી દેવાય છે. એટલું જ નહીં પણ આ મહિલા માનસિક બીમાર હોવાનું પણ લાગી રહી છે. જેથી આ મહિલાને ગાયનેક, સર્જરી સહિત અનેક વિભાગમાં રીફર કરી અભિપ્રાય માગવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here