પેરિસ: ફ્રાંસમાં 30 અધિકારીઓ એવા છે જેમને 30 વર્ષથી કારણ વિનાનો પગાર આપવામાં આવી રહ્યો છે. જે પદ પર તેઓ કાર્યરત છે, તેની પ્રાસંગિકતા ખતમ થઇ ગઇ છે પરંતુ સરકાત તેમ છતાં તેમને નોકરી પર રાખવા માટે મજબૂર છે. આલ્પ્સ-રિવેરા ક્ષેત્રમાં કામ કરી રહેલા ઓડિટર્સનો રિપોર્ટ છે કે આ લોકોને નોકરી પર રાખવાથી સરકારના 192 કરોડ રૂપિયા વેડફાઇ ગયા છે.
વાર્ષિક 8 કરોડનો નકામો ખર્ચો
રિપોર્ટમાં જણાવાયું છે કે આ અધિકારીઓના પગાર પર વાર્ષિક 7 કરોડ 81 લાખ રૂપિયાનો ખર્ચો થઇ રહ્યો છે. જે કામ માટે તેમને સેવામાં રાખવામાં આવયા હતા તે હવે ખતમ થઇ ગયું છે. આમાંથી અમુક લોકો વ્યક્તિગત કામ પણ કરી રહ્યાં છે.
રગ્બીના એક પૂર્વ સ્ટાર પણ આવા જ એક અધિકારી છે. તેઓ એક રેસ્તરાં ચલાવે છે. કાઉન્સિલની ઓફિસમાં જવા કરતાં રેસ્તરાંમાં કામ કરવુ તેમને વધારે ગમે છે. તેમના વ્યવસાય વિશે સવાલો પણ થયા કારણ કે સરકારને એવું લાગતું હતું કે રેસ્તરાં ચલાવવું એ એક સનદી અધિકારીના હોદ્દાને અનુરૂપ નથી.
રિપોર્ટમાં લખ્યું છે કે અન્ય અધિકારીઓની નિવૃતિ નજીક છે. તેમને લાગે છે કે રાજીનામું આપવું બેકાર છે. આ દરેક અધિકારીઓનું પ્રમોશન અને પગાર વધારો આપમેળે જ મળતું રહે છે.
જોકે તેઓ કંઇ પણ કામ નથી કરી રહ્યાં.
રિપોર્ટમાં વૉર ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 30 એજેન્ટ્સને હજુ સુધી પૈસા આપવામાં આવી રહ્યા છે. તેઓ નોકરી પર પણ નથી. સૂત્રોનું કહેવું છે કે ફ્રાંસના કાયદા પ્રમાણે સ્ટાફને પગાર આપતા રહો, ભલે તેમનું કામ ખતમ થઇ ગયું હોય. જોકે વૉર કાઉન્સિલ આવા એજન્ટ્સના પૈસા હવે રોકવાના મૂડમાં છે.
એક અધિકારીને પાછલા દસ વર્ષોમાં 3 કરોડ 92 લાખ રૂપિયા સરકારે પગારમાં ચૂકવ્યા , જોકે તેનું કોઇ કામ જ નથી. અગાઉ ફ્રાંસના લોકોએ સડક પર પ્રદર્શન પણ કર્યું હતું. તેમનું કહેવું હતુ કે સનદી સેવાની નોકરીમાં રાજકારણીઓ દખલ ન આપે. જોકે વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો આવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો સંકેત આપી ચૂક્યા છે.