રાજ્યની બહાર જતા મુસાફરોના કોઇપણ પ્રકારના સેમ્પલ અને મેડિકલ ટેસ્ટ વગર નેગેટિવ રિપોર્ટ બનાવવાની છેતરપિંડી સામે આવી

0
0

રાજ્યની બહાર જતા મુસાફરોના કોઇપણ પ્રકારના સેમ્પલ અને મેડિકલ ટેસ્ટ વગર નામાંકિત લેબોરેટરીના ડુપ્લિકેટ નેગેટિવ RT-PCR રિપોર્ટ બનાવીને છેતરપિંડી આચરનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકને વડોદરા શહેર SOGએ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી ડુપ્લિકેટ રિપોર્ટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા 3 મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર મળીને કુલ 60 હજાર રૂપિયાની મત્તા કબજે કરી હતી. આ અંગે લેબોરેટરી સંચાલકે આરોપી વિરૂદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી RT-PCR રિપોર્ટ પેટે 1 હજાર રૂપિયાની ફી વસૂલતો હતો
વડોદરા SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કુણાલ હરેશભાઇ પટેલ(રહે, સુરજપાર્ક સોસાયટી, માણેજા, વડોદરા) એરોકેબ ટ્રાવેલ્સના નામથી ઓનલાઇન એજન્સી ચલાવે છે, તેની એજન્સીમાં વડોદરાથી મુંબઇ સહિત રાજ્યનું ઓનલાઇન ટ્રાવેલિંગ બુકિંગ થાય છે. રાજ્યની બહાર જતા મુસાફરોને RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટની જરૂરિયાત હોય છે, જેથી કૃણાલ પટેલ સેમ્પલ લીધા વગર બારોબાર ડુપ્લિકેટ રિપોર્ટ બનાવી આપતો હતો અને મુસાફરો પાસેથી RT-PCR રિપોર્ટ પેટે 1 હજાર રૂપિયાની ફી વસૂલતો હતો.

લેબના નામનો દુરૂપયોગ કરીને રિપોર્ટ બનાવ્યો
SOG પોલીસે ડમી મુસાફર મોકલતા કુણાલે નેગેટિવ RT-PCR રિપોર્ટની પીડીએફ ફાઇલ બનાવી આપી હતી. જેમાં પેથોકેર પેથોલોજી લેબોરેટરીનો ઉલ્લેખ હતો, જેથી પોલીસ લેબોરેટરીમાં જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આવો કોઇ રિપોર્ટ લેબોરેટરીમાંથી કાઢવામાં આવ્યો નથી. બનાવટી રિપોર્ટની તપાસ કરતાં તેનો ઓરિજનલ રિપોર્ટ 3 મેના રોજ સોમન મેકવાન નામનો કારેલીબાગ સેન્ટરનો હોવાનું સપાટી પર આવ્યું હતું. અને લેબના નામનો દુરૂપયોગ કરીને રિપોર્ટ બનાવ્યો હતો.

આરોપીના મોબાઇલમાંથી બનાવટી RT-PCR રિપોર્ટની પીડીએફ ફાઈલો મળી
પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી તલાશી લેતા આરોપીના મોબાઇલ ફોનમાંથી પોઝિટિવ અને નેગેટિવ બનાવટી RT-PCR રિપોર્ટની પીડીએફ ફાઈલો મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, કોમ્પ્યુટર દ્વારા પીડીએફમાં સુધારા-વધારા કરીને તારીખ, આઇડી વગેરેનું સેટીંગ કરીને નેગેટિવ રિપોર્ટ બનાવતો હતો. આ બનાવ સંદર્ભે પેથોકેર પેથોલોજી લેબોરેટરીના સંચાલકે આરોપી વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીનો તપાસ શરૂ કરી છે.

20 દિવસ પહેલા પણ ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયો હતો
આ પહેલા રાજ્ય બહાર જવા, કંપનીઓમાં રજા મેળવવા અને કંપનીઓમાં પગાર લેવા અને મેડિક્લેમ માટે પોઝિટિવ અને નેગેટિવ ડુપ્લિકેટ રિપોર્ટ બનાવીને વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે વારસીયાના ભેજાબાજ ટ્રાવેલ્સ સંચાલક રાકેશ ભગવાનદાસ મીરચંદાનીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here