વડોદરા : રેલવેમાં નોકરી અપાવવાના બહાને 54 શિક્ષિત બેરોજગાર યુવાન પાસેથી 1 કરોડની છેતરપિંડી, 3ની ધરપકડ, 2 વોન્ટેડ

0
6

શિક્ષિત બેરોજગાર યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવી રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. 54 બેરોજગાર યુવાન પાસેથી રૂપિયા 1 કરોડ જેટલી રકમ પડાવનાર ટોળકીના 3 સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે અને દિલ્હીના 2 શખ્સને વોન્ટેડ જાહેર કર્યાં છે. પોલીસે ટોળકીએ ભાડે રાખેલી ઓફિસમાંથી ઉમેદવારોના રેલવેના તૈયાર કરેલા બોગસ આઇકાર્ડ, રેલવેના બોગસ નિમણૂંક પત્રો સહિતના ઢગલાબંધ દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

બેરોજગાર યુવાનોને નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતા હતા

ACP એ.વી. રાજગોરે બોગસ રેલવે ભરતી કૌભાંડની માહિતી આપતા જણાવ્યું કે, વડોદરા શહેરમાં રેલવેમાં નોકરી અપાવવાનું કૌભાંડ આચરતી ગેંગ ફરી સક્રિય થઇ હોવાની વિગતો SOGને મળી હતી. જેને આધારે પોલીસની ટીમે વોચ રાખી હતી. ટોળકીના માસ્ટર માઈન્ડ તુષાર પુરોહિતે ઓલ્ડ પાદરા રોડ પર આવેલી મનીષા ચોકડી પાસે ઉદયનગરમાં એક ઓફિસ ભાડે રાખી હતી. અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરવાની શરૂઆત કરી હતી. જોકે, આ ટોળકી રાતોરાત રફૂચક્કર થઇ જાય તે પહેલાં SOGએ દરોડો પાડીને ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઓફિસમાંથી બોગસ દસ્તાવેજો કબજે કર્યાં હતા.

આરોપીઓ પાસેથી રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ મળ્યા
(આરોપીઓ પાસેથી રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ મળ્યા)

 

20 જૂન 2019માં SOGએ ઠગ અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી

મહાઠગ તુષાર પુરોહિત મૂળ રાજપીપળાનો રહેવાસી છે. 2019ના જૂન માસમાં તુષારે તેના સાગરીતો સાથે બેરોજગારોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ. 36.35 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ તુષાર અને તેની ટોળકીની SOGએ વાઘોડિયા રોડ પર આવેલા વૃંદાવન ચાર રસ્તા નજીકના સનરાઇઝ કોમ્પલેક્ષમાંથી ધરપકડ કરીને જેલ હવાલે કર્યાં હતા. જામીન પર કોર્ટમાંથી મુક્ત થયા બાદ કૌશલ પારેખ અને દિલીપ સોલંકી સાથે જૂની મોડ્સ ઓપરેન્ડી અપનાવી લોકોનુ ઠગવાનુ શરૂ કર્યું હતું. કૌશલ પારેખ અને દિલીપ સોલંકી મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં રેલવેની નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારોને શોધતા હતા, ત્યારબાદ વિશ્વાસ અપાવીને ઉમેદવારોને તૈયાર કરીને રૂપિયા પડાવી લઇને પોતે કમિશન લઇ લેતા હતા. દિલીપ સોલંકી દિલ્હી ખાતેની સ્પાઇસ હોટલમાં નોકરી કરતો હોવાથી હોટલ બુકિંગ કરાવીને રેલવે બોર્ડની પરીક્ષાનુ આયોજન કરાવતો હતો.

ઠગ તુષારની મોડ્સ ઓપરેન્ડી

તુષાર પુરોહીત રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડના નામે ભારત સરકાર, રેલ મંત્રાલયમાંથી ઉમેદવારોની ભરતી થાય છે તે પ્રક્રિયાની કાર્યવાહીથી સુંપુર્ણ વાકફે હોય છે અને દિલ્હી ખાતે તેના સાગરીતો પાસેથી રેલ મંત્રાલયના લોગો તેમજ અશોકસ્તંભ વાળુ રેલવેમાં ભરતી અંગેનુ બનાવટી સાહીત્ય મેળી લેતો હતો. ત્યારબાદ રેલવેમાં જુદી જુદી જગ્યાઓની ભરતી માટેના ઉમેદવરોને ફોર્મ ભરાવી નોકરી અપાવવાનો ભરોસો અપાવી દિલ્હી, જયપુર અને મુંબઇ ખાતે હોટલનુ બુકિંગ કરાવી પરિક્ષાનુ આયોજન કરતો હતો. પરિક્ષા બાદ ઉમેદવારોને દિલ્હી ખાતે રેલ મંત્રાલયની વિવિધ કચેરીઓની મુલાકાત કરાવી તબક્કાવાર તેમની પાસેથી રૂ. 70 હજારથી રી. 5 લાખની રકમ પડાવી લેવામાં આવતી હતી.

પોલીસે નિમણૂંક પત્રો સહિતના દસ્તાવેજો જપ્ત કર્યાં
(પોલીસે નિમણૂંક પત્રો સહિતના દસ્તાવેજો જપ્ત કર્યાં)

 

ઉમેદવારોને ભરોસો અપાવવા ટોળકી શું કરતી હતી

ઠગાબજ ટોળકી બેરોજગાર યુવાન પાસેથી રૂપિયા પડાવી ઓળખીતાના બેન્ક ખાતામાં જમા કરાવી થોડા સમય બાદ એજ રૂપિયા પોતે મેળવી લેતા હતા. રૂપિયા આવી ગયા બાદ ઉમેદવારોને રેલ મંત્રાલય કોર્ટ ભરતી અંગેના સિલેકશન લિસ્ટ જાતે જ બહાર પાડીને લાયકાત પ્રમાણે રેલવે કોર્ટમાં ભરતીમાં પી.એસ.ઓ, કલાર્ક, ડીઆરએમ, પર્સનલ આસી. વિગેરેના જોબલેટર આપી જુદી જુદી જગ્યાએ ઓફીસો રાખી, રેલવે બરતી બોર્ડનુ કૌભાંડ આચરી તાજેતરમાંજ 54 બેરોજગારો પાસેથી અંદાજીત રૂ. 1 કરોડની રકમ પડાવી લેવામાં આવી હતી.

રાજપીપળા, ઘોઘંબા અને વડોદરાના 3 શખ્સોની ધરપકડ

વધુમાં જણાવ્યું તેઓએ કે, SOGએ આ કૌભાંડમાં તુષાર યોગેશભાઈ પુરોહિત(રહે, અમૃતવિલા એપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ, મૂળ રહે, નવાપુરા, જેલ રોડ, રાજપીપળા), દિલીપ સોમાભાઈ સોલંકી (રહે, ઘોઘંબા, પંચમહાલ) અને કૌશલ ઘનશ્યામભાઈ પારેખ (રહે, મધુકુંજ સોસાયટી, રાધિકા સોસાયટી પાસે, વાસણા રોડ, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જપ્ત કરેલા કાર્ડ
(પોલીસે જપ્ત કરેલા કાર્ડ)

 

રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ, નિમણૂંક પત્રો અને ફાઇલો જપ્ત પોલીસની પૂછપરછમાં ટોળકીએ 54 ઉમેદવારો પાસે 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ટોળકી પાસે રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ, નિમણૂંક પત્રો, રેલવે વિભાગનું સિલેક્શનનું મેરિટ લિસ્ટ, રેલવે મંત્રાલયની ફાઇલો, વાઉચર બુક, નેમ પ્લેટ, રેલવેની રિસિપ્ટ બુક, જુદા જુદા હોદ્દાઓના વિઝિટિંગ કાર્ડ, લેપટોપ અને મોબાઈલ સહિતના થોકબંધ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. અને આ કૌભાંડમાં ફરાર થઇ ગયેલા દિલ્હીના બે સાગરીતને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here