આપણે ઓક્સિજન માટે તડપીએ છીએ ત્યારે ઇઝરાયેલમાં માસ્કથી પણ આઝાદી

0
4

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લાચારી અનુભવી રહ્યું છે ત્યારે ઇઝરાયેલ પહેલો એવો દેશ બન્યો છે જે કોરોનામુક્ત થવાની દિશામાં અગ્રેસર છે. ગત રવિવારે ઇઝરાયેલ જાહેરમાં માસ્ક પહેરવાનું મરજિયાત બનાવ્યા પછી મોટી સંખ્યામાં લોકો ખુલ્લી હવામાં મોકળાશનો શ્વાસ લેવા નીકળી પડ્યા હતા. સમગ્ર દુનિયાએ બહુ લાંબા સમયે આવા ખુશમિજાજ દૃશ્યો જોયા હતા. રેપિડ ટ્રીટમેન્ટ સિસ્ટમ અને સુપર ફાસ્ટ વેક્સિનેશન પ્રોગ્રામ ઉપરાંત સમયસર લોકડાઉન લાગુ કરીને એ સમય દરમિયાન સારવાર સુવિધા ઝડપભેર વધારવાની સ્ટ્રેટેજી વડે ઇઝરાયેલ કોરોનાને હરાવવામાં સફળ રહ્યું છે.

અનોખી સ્ટ્રેટેજી, કાર્યરત તંત્ર

ગત વર્ષે 21 ફેબ્રુઆરીએ કોરોનાનો પહેલો કેસ નોંધાયો, એ સાથે જ ઇઝરાયેલે મહામારી સામે મૃત્યુદર ઓછામાં ઓછો રહે એની સ્ટ્રેટેજી ઘડી કાઢી હતી. કાર્યરત હોસ્પિટલમાં ઝડપભેર બેડની સંખ્યા વધારવામાં આવી અને મોબાઈલ હોસ્પિટલ દ્વારા દૂરના વિસ્તારોને પણ આવરી લીધા હતા. દર 10 હજારની વસ્તીદીઠ 10 ટેસ્ટિંગ સેન્ટર ઊભાં કરીને ઝડપી ટેસ્ટિંગ, ઝડપી ટ્રીટમેન્ટનું મોડલ સફળ બનાવ્યું હતું, જેને લીધે સંક્રમણના આરંભથી જ ઇઝરાયેલ પરિસ્થિતિ પર કાબૂ જાળવી શક્યું હતું.

લોકડાઉનનો અસરકારક ઉપયોગ

93 લાખની વસ્તી ધરાવતા ઇઝરાયેલમાં કુલ જમીનની સરખામણીએ પ્રતિ ચો. કિમી. વસ્તીની ઘનતા ઘણી વધારે છે, કારણ કે દેશનો ઘણોખરો વિસ્તાર બંજર રણપ્રદેશ હોવાથી વસવાટ માટે યોગ્ય નથી, આથી સંક્રમણ ફેલાવાનો ભય ટાળવા પ્રથમ કેસ નોંધાયો, એ સાથે જ ઇઝરાયેલે કેટલાંક કડક પગલાં લેવા માંડ્યા હતા.

દેશભરમાં તમામ પ્રકારના સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડા કે સભા-સરઘસ નિયંત્રિત કરી દેવાયા હતા.

10થી વધુ લોકો કોઈપણ સંજોગોમાં એકઠા ન થાય એવી તાકીદ રાખવામાં આવી હતી.

શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન અપનાવનારા પ્રથમ 10 દેશમાં ઈઝરાયેલ સામેલ હતું.

લોકડાઉનના સમય દરમિયાન હોસ્પિટલ સેવાઓમાં તાત્કાલિક વધારો કરી દેવાયો.

અંતરિયાળ વિસ્તારો સુધી સારવાર આપી શકાય એ માટે મોબાઈલ હોસ્પિટલ તૈયાર કરી દીધી.

પ્રથમ લોકડાઉન વખતે ટેસ્ટિંગ સેન્ટર વધારાયાં હતાં. બીજા લોકડાઉન વખતે મોબાઈલ હોસ્પિટલ દેશભરમાં દોડાવી.

આ વર્ષે લાગુ કરેલા ત્રીજા લોકડાઉન વખતે વેક્સિનેશન પ્રોગ્રામનું માળખું તૈયાર કરી નાખ્યું હતું.

મોનોક્લોનલ થેરપીનો ઉપયોગ

ઈઝરાયેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચ (IIBR)ના વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિનની ફોર્મ્યુલા, કોરોના પ્રતિરોધક દવાઓ ઉપરાંત મોનોક્લોનલ એન્ટિબોડી થેરપી અંગે પણ ઝડપી સંશોધનો થયાં હતા, જેની ક્લિનિકલ ટ્રાયલનાં હકારાત્મક પરિણામો મળ્યાં પછી ઈઝરાયેલમાં આ થેરપીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. આ થેરપી ટૂંકમાં આ પ્રમાણે સમજી શકાશે.

જેમના શરીરમાં કોરોનાવાયરસ દાખલ થઈ ચૂક્યો છે, પરંતુ બીમારીનાં કોઈ લક્ષણ હજુ જોવા નથી મળતાં, આવી વ્યક્તિ તબીબી પરિભાષામાં Asymptomatic કહેવાય છે.

Asymptomatic વ્યક્તિને પોતાને કોરોનાનાં લક્ષણો ન હોય તોપણ એ અન્યને કોરોનાનો ચેપ લગાડવા સક્ષમ હોવાથી તેને કોરોના કરિયર (વાહક) કહેવાય છે.

માનવશરીરનો એ નૈસર્ગિક ક્રમ છે, જેમાં શરીરમાં કોઈપણ બાહ્ય પદાર્થ (Antigen)દાખલ થાય એની સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા તરીકે શરીર તરત જ એન્ટિબોડી ઉત્પાદિત કરે છે અને બાહ્ય પદાર્થને નકારવા પ્રયત્નો કરવા માંડે છે.

કોરોના વાહકના શરીરમાં પણ આવા એન્ટિબોડી ઉત્પાદિત થતા હોય છે.

શરીરના કોઈ એક જ પ્રકારના અંગમાં ઉત્પન્ન થયેલા એન્ટિબોડી મોનોક્લોનલ એન્ટિબોડી કહેવાય છે. વિવિધ અંગોમાં ઉત્પન્ન થયેલા પોલિક્લોનલ એન્ટિબોડી કહેવાય છે.

મોનોક્લોનલ એન્ટિબોડી પેશન્ટના શરીરમાં દાખલ કરવાથી બીમાર વ્યક્તિના શરીરમાં કોરોનાવાયરસ સામે રક્ષણની શ્રૃંખલા ઉત્પન્ન થવા માંડે છે અને દવાઓને પણ ઝડપી તેમજ હકારાત્મક પ્રતિસાદ મળે છે.

અનોખો ટ્રાફિક લાઈટ પ્લાન

ઈઝરાયેલના અગ્રણી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. રોની ગેમ્ઝુના પ્રસ્તાવ મુજબ સરકારે સમગ્ર દેશને કોરોના સંક્રમણની સંખ્યા, પ્રસારની ઝડપ અને મૃત્યુ આંકના આધારે ટ્રાફિક સિગ્નલના વિવિધ કલર કોડમાં વિભાજિત કરી દીધો. ત્યાર બાદ સૌથી વધુ સંક્રમણ ધરાવતા રેડ ઝોનમાં સૌથી વધુ નિયંત્રક પગલાં લાગુ કરીને ત્યાં સારવાર વ્યવસ્થા વધુ સઘન બનાવી. આ પ્લાનને લીધે સમગ્ર દેશની આરોગ્ય સેવાઓ પર એકધારો ભાર આવતો રોકી શકાયો. આ ટ્રાફિકલાઈટ પ્લાન બાદમાં યુરોપના દેશોએ પણ અપનાવ્યો હતો.

સુપર ફાસ્ટ વેક્સિનેશન

અમેરિકન કંપની ફાઈઝરની વેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ માન્યતા આપી એ પછી વેક્સિનનો સૌથી મોટો જથ્થો ખરીદનાર અમેરિકા, બ્રિટન, કેનેડા પછી ઈઝરાયેલ ચોથો દેશ હતો. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ દેશના ટોચના તબીબો, મેનેજમેન્ટ એક્સપર્ટ્સની નેશનલ ઈમ્યુનાઈઝેશન કમિટી બનાવી છે. આ કમિટીની

સીધી દેખરેખ હેઠળ દેશમાં રસીકરણની શરૂઆત થઈ.

આરંભે ભારતની માફક સિનિયર સિટિઝન અને ગંભીર માંદગી ધરાવનારાઓને રસી આપવામાં આવી. ત્યાર બાદ જેમને ઘરની બહાર નીકળવાની સૌથી વધુ જરૂર પડે છે એવા 40થી 60ના વયજૂથને પણ આવરી લેવાયું. દર મહિને 18 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો પૈકી 25થી 30 ટકાનું વેક્સિનેશન થઈ જાય એવો લક્ષ્યાંક સળંગ ત્રણ મહિના સુધી હાંસલ કર્યો, જેને લીધે આજે 93 લાખની વસ્તી ધરાવતા ઈઝરાયેલમાં 50 લાખથી વધુ લોકો રસીકરણ વડે સુરક્ષિત છે. નવા સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here