અક્ષય કુમારથી લઈ ‘અનુપમા’ સુધી, કોરોનાની સુનામીમાં 61 સેલેબ્સ પોઝિટિવ

0
6

ભારતમાં કોરોનાની બીજી લહેર સુનામી બનીને ત્રાટકી છે. દેશમાં કોરોના બેફામ ગતિએ વધી રહ્યો છે. સૌથી સ્ફોટક સ્થિતિ મહારાષ્ટ્રની છે, એમાં પણ મુંબઈમાં તો કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના આ કહેરમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝ પણ બાકાત રહ્યાં નથી. છેલ્લા ત્રણ મહિનામાં અનેક બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. ફિટનેસ માટે જાણીતા કલાકારો પણ કોરોનાથી પોતાને બચાવી શક્યા નથી. તો આવો, નજર કરીએ બોલિવૂડ તથા ટીવીના કયા કયા કલાકારોને કોરોના થયો છે….

આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા…

કેટરીના કૈફ

કથિત બોયફ્રેન્ડ વિકી કૌશલ કોવિડ પોઝિટિવ થયો, એના 24 કલાકમાં જ કેટરીના કૈફનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેટરીના પણ ઘરમાં જ આઈસોલેટ થઈ છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર ફિલ્મ ‘રામ સેતુ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. સેટ પર તમામનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં અક્ષય કુમાર સહિત 45 જુનિયર આર્ટિસ્ટ પોઝિટિવ આવ્યા હતા. અક્ષય કુમાર એક દિવસમાં ઘરમાં આઈસોલેટ રહ્યો હતો, પરંતુ પછી તે હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો.

સીમા પાહવા

આલિયા ભટ્ટ બાદ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની એક્ટ્રેસ સીમા પાહવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીમા પાહવાએ સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. સીમા હાલમાં હોમ આઈસોલેશનમાં છે.

આલિયા ભટ્ટ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ બીજી એપ્રિલે પોઝિટિવ આવ્યો છે. ગયા મહિને આલિયાના પ્રેમી રણબીર કપૂર તથા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આલિયાએ પોતાનો રિપોર્ટ પણ કરાવ્યો હતો. જોકે એ સમયે નેગેટિવ આવ્યો હતો. આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં વ્યસ્ત હતી. આલિયા ઘરમાં જ ક્વૉરન્ટીન છે.

રણબીર કપૂર

રણબીર કપૂરનો ગયા મહિને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રણબીર કપૂર પણ ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યો હતો. કોવિડ-19માંથી સાજા થયા બાદ રણબીર પોતાના ફ્રેન્ડ અયાન મુખર્જી સાથે જોવા મળ્યો હતો.

સંજય લીલા ભણસાલી

બોલિવૂડના લોકપ્રિય ડિરેક્ટર સંજય લીલા ભણસાલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ દરમિયાન અચાનક જ ગયા મહિને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંજય લીલા ભણસાલી ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યા હતા. તેમના વગર પણ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.

ગોવિંદા

ગોવિંદા થોડા સમય પહેલાં પત્ની સાથે કોલકાતા એક ઈવેન્ટમાં ગયો હતો. ઈવેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું નહોતું અને તેને કારણે સૌ પહેલા ગોવિંદની પત્ની સુનીતાને ચેપ લાગ્યો હતો. ત્યાર બાદ ગોવિંદાને કોરોના થયો હતો. સુનીતા કોરોનામાંથી રિકવર થઈ ગઈ છે, પરંતુ ગોવિંદાને શરદી તથા બૉડી પેન છે. ગોવિંદા ઘરમાં જ આઈસોલેશનમાં છે.

મિલિંદ સોમણ

ફિટનેસ માટે જાણીતો મિલિંદ સોમણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ચાહકોને આશ્ચર્ય થયું હતું. મિલિંદ ઘરમાં આઈસોલેશનમાં છે. મિલિંદનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ગયો છે. મિલિંદ ઘરમાં રહીને વિવિધ જાતના ઉકાળા પીએ છે. મિલિંદે પત્ની સાથે હોળી પણ સેલિબ્રેટ કરી હતી. મિલિંદની પત્ની અંકિતા PPE કિટ પહેરીને આવી હતી અને બંનેએ પોતાની જાતને જ કલર કર્યો હતો.

બપ્પી લહરી

સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીને કોરોના થતાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ હજી પણ ICU વોર્ડમાં છે. જોકે તેમની તબિયત હવે સુધારા પર છે.

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. ભૂમિ ઘરમાં જ છે. તે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે.

વિકી કૌશલ

વિકી કૌશલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિકી કૌશલ ઘરમાં જ આઈસોલેશનમાં છે. વિકી કૌશલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ તેની ફિલ્મ ‘મિસ્ટર લેલે’નું શૂટિંગ અટકી પડ્યું છે.

આમિર ખાન બાદ બે કલાકારો પોઝિટિવ આવ્યા

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનનો ગયા મહિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમિર ખાન ખાસ મિત્ર અમીન હાજીની ફિલ્મ ‘કોઈ જાને ના’ના સ્ક્રીનિંગમાં ગયો હતો. સ્ક્રીનિંગના ગણતરીના દિવસમાં જ આમિરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમિર ઘરમાં જ આઈસોલેશનમાં છે. આમિરને કારણે ‘કોઈ જાને ના’નો એક્ટર વિરાફ પટેલ તથા તેની પ્રેમિકા સલોની અરોરા પણ કોવિડ 19 પોઝિટિવ આવ્યાં હતાં. આ બંને પણ ઘરમાં આઈસોલેશનમાં છે.

આર. માધવન

આમિર ખાનને કોરોના થયો પછી તરત જ માધવનને કોરોના થયો હતો. આમિર તથા માધવને ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં સાથે કામ કર્યું હતું. માધવને ફની પોસ્ટ શૅર કરીને કોવિડ હોવાની જાણ કરી હતી. માધવન પણ ઘરમાં જ આઈસોલેશનમાં છે.

અમીન હાજી

‘કોઈ જાને ના’ના સ્ક્રીનિંગમાં આવ્યા બાદ આમિર ખાન, વિરાફ પટેલ તથા સલોની અરોરા પોઝિટિવ આવ્યાં હતાં. આ ત્રણેય પોઝિટિવ આવ્યાં પછી ફિલ્મના ડિરેક્ટર અમીન હાજી પણ પોઝિટિવ આવ્યો હતો. અમીન હાજી હાલમાં ઘરમાં જ આઈસોલેશનમાં છે.

ફાતિમા સના શેખ

‘દંગલ’ ગર્લ ફાતિમા સના શેખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તે ઘરમાં આઈસોલેશનમાં છે. સો.મીડિયા પોસ્ટમાં ફાતિમાએ કહ્યું હતું કે કોરોનાને કારણે તેને ટેસ્ટ કે સ્મેલ આવતા નથી.

કાર્તિક આર્યન

ગયા મહિને કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન કાર્તિકને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કાર્તિક ઘરમાં આઈસોલેશનમાં રહ્યો હતો. કાર્તિક આર્યનની કો-સ્ટાર કિઆરા અડવાણીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. કાર્તિક હવે કોરોના નેગેટિવ છે.

સિદ્ધાંત ચતુર્વેદી

ગયા મહિને બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યો હતો. સિદ્ધાંત ઘરમાં આઈસોલેશનમાં રહીને સાજો થયો હતો.

આશિષ વિદ્યાર્થી

ગયા મહિને આશિષ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. આશિષ વિદ્યાર્થી દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ હતો. આશિષે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને હેલ્થ અપડેટ આપી હતી. હવે આશિષ વિદ્યાર્થી કોરોના નેગેટિવ છે.

શ્વેતા ત્રિપાઠી

‘મિર્ઝાપુર’ ફૅમ એક્ટ્રેસ શ્વેતા ત્રિપાઠીનો બે મહિના પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસ બાદ તેના પતિનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યાં હતાં. 14 દિવસ બાદ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હવે શ્વેતા શૂટિંગમાં વ્યસ્ત છે.

મનોજ વાજપેયી

બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયી ‘ડિસ્પેચ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. ફિલ્મના ડિરેક્ટર પહેલા પોઝિટિવ આવ્યા અને પછી મનોજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનોજ ઘરમાં જ આઈસોલેશનમાં છે. હજી સુધી મનોજનો રિપોર્ટ નેગેટિવ આવ્યો નથી. મનોજે કોરોના પોઝિટિવ થવા અંગે સ્ફોટક નિવેદન આપતાં કહ્યું હતું કે તે બીજાની ભૂલને કારણે પોઝિટિવ આવ્યો છે.

સતીશ કૌશિક

ગયા મહિને સતીશ કૌશિક તથા તેમની 8 વર્ષીય દીકરી વંશિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને હોસ્પિટલમાં એડમિટ હતાં. હોસ્પિટલમાંથી પહેલા સતીશ કૌશિકને રજા આપવામાં આવી હતી. દીકરીને પછી રજા આપવામાં આવી હતી.

પરેશ રાવલ

પૂર્વ સાંસદ તથા એક્ટર પરેશ રાવલે કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો એના ગણતરીના દિવસોમાં જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ઘરમાં જ આઈસોલેશનમાં છે.

તારા સુતરિયા

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડ ડેબ્યુ કરનાર તારા સુતરિયાનો ગયા મહિને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે ઘરમાં જ આઈસોલેશનમાં રહી હતી અને હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.

બોલિવૂડ એક્ટર રોહિત સરાફ, ‘છપાક’ ફૅમ વિક્રાંત મેસી, ઋત્વિક ભૌમિક, ફેશન-ડિઝાઈનર વિક્રમ ફડનીસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. હાલમાં તેઓ હોમ આઈસોલેશનમાં છે. ડિરેક્ટર રમેશ તૌરાણીએ પણ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો. જોકે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રમેશ તૌરાણી હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન છે.

ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ એક પછી એક કોરોનાનો ભોગ બન્યા છે

‘અનુપમા’ના સેટ પર ત્રણ કલાકારો તથા પ્રોડ્યુસર પોઝિટિવ

‘અનુપમા’માં લીડ રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સેટ પર સૌ પહેલા રૂપાલી ગાંગુલીના ઓન સ્ક્રીન દીકરાનો રોલ પ્લે કરતા એક્ટર આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ દરમિયાન રૂપાલી તથા આશિષે સાથે કેટલાક સીન્સ શૂટ કર્યાં હતાં. આ વાતને ધ્યાનમાં રાખીને રૂપાલીએ ટેસ્ટ કરાવ્યો હતો. રૂપાલીનો રિપોર્ટ 2 એપ્રિલના રોજ 12 વાગે પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ રૂપાલીએ પ્રોડક્શન ટીમને આ અંગેની માહિતી આપી હતી. રૂપાલી પહેલી એપ્રિલે સેટ પર આવી નહોતી. રૂપાલી પોતાના ફાર્મહાઉસમાં આઈસોલેશનમાં છે. રૂપાલી બાદ સિરિયલમાં વનરાજ શાહનો રોલ પ્લે કરતાં સુધાંશુ પાંડેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિરિયલના પ્રોડ્યુસર રજન સાહીનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. તેઓ પણ ઘરમાં જ આઈસોલેશનમાં છે. આટલું જ નહીં, ત્રણ ક્રૂ-મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ છે, જોકે સિરિયલનું શૂટિંગ અટકાવવામાં આવ્યું નથી.

શુભાંગી અત્રે

‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ શુભાંગી અત્રેને કફ તથા તાવ હતો. તેણે ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુભાંગી ઘરમાં જ આઈસોલેશનમાં છે.

અબ્રાર કાઝી

‘યે હૈ ચાહતે’માં રુદ્રનો રોલ પ્લે કરતો એક્ટર અબ્રાર કાઝી પણ કોરોના પોઝિટિવ છે. આ સિરિયલની પ્રોડ્યુસર એકતા કપૂર છે. બાલાજી ટેલીફિલ્મ્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘એક્ટર અબ્રાર કાઝીનો રિપોર્ટ પોઝિટિવ છે. તેનામાં લક્ષણો હતાં અને તેને તાત્કાલિક મેડિકલ હેલ્પ આપવામાં આવી હતી. તે હાલમાં આઈસેલોશનમાં છે. સિરિયલની તમામ કાસ્ટ તથા ક્રૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમને આઈસોલેટ કરાયા છે. BMCને આ અંગેની જાણ કરવામાં આવી છે. પ્રોટોકોલ પ્રમાણે સેટને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. હાલમાં અબ્રાર ઘરમાં જ છે. ટીમ તેના સંપર્કમાં છે.’

નારાયણી શાસ્ત્રી

ટીવી સિરિયલ ‘આપકી નઝરોને સમજા’માં રાજવી રાવલનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ નારાયણી શાસ્ત્રી પણ કોવિડ પોઝિટિવ છે. પ્રોડક્શન હાઉસે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, ‘એક્ટર નારાયણી શાસ્ત્રી સિરિયલ ‘આપકી નઝરોને સમજા’નો મહત્ત્વનો હિસ્સો છે. કમનસીબે તેનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે ઘરમાં આઈસોલેશનમાં છે. સિરિયલના તમામ કલાકારો તથા ક્રૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે.’

આદિત્ય નારાયણ

‘ઈન્ડિયન આઈડલ’નો હોસ્ટ તથા સિંગર આદિત્ય નારાયણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેલ્લો, કમનસીબે મારો તથા મારી પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં અમે આઈસોલેશનમાં છીએ. મહેરબાની કરીને સલામત રહો અને પ્રોટોકોલનું પાલન કરો. આ સમય પણ પસાર થઈ જશે.’ રિપોર્ટના બે દિવસ સુધી આદિત્ય ઘરમાં હતો, પરંતુ પછી તે હોસ્પિટલમાં એડમિટ થયો હતો.

‘મોલક્કી’ના લીડ એક્ટર્સ

ટીવી સિરિયલ ‘મોલક્કી’ના લીડ એક્ટર્સ અમર ઉપાધ્યાય તથા પ્રિયલ મહાજનનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો છે. બંને હોમ આઈસોલેશનમાં છે. આ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તોરલ રાસપુત્રાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તોરલ પણ ઘરમાં જ આઈસોલેટ છે.

કનિકા માન

સિરિયલ ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ ફૅમ એક્ટ્રેસ કનિકા માનનો રિપોર્ટ 5 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. કનિકા ઘરમાં જ છે.

એજાઝ ખાન

ડ્રગ્સ કેસમાં NCBએ એજાઝ ખાનની ધરપકડ કરી હતી. આ દરમિયાન મેડિકલ તપાસમાં એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એજાઝને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. એજાઝ ખાન સાથે રહેલા NCBના અધિકારીઓનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલના લીડ એક્ટર્સ નીલ ભટ્ટ તથા ઐશ્વર્યા શર્માનો ગયા મહિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 18 દિવસ બાદ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કાંચી સિંહ

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ગાયત્રીનો રોલ પ્લે કરનાર કાંચી સિંહ તથા તેના પરિવારનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો હતો. તમામ લોકો ઘરમાં જ આઈસોલેટ છે. કાંચીએ સો.મીડિયામાં કહ્યું હતું કે તેને હવે ઘણો જ ડર લાગે છે.

નિક્કી તંબોલી

‘બિગ બોસ 14’ની સ્પર્ધક નિક્કી તંબોલીનો ગયા મહિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નિક્કી ઘરમાં જ આઈસોલેટ થઈ હતી. 14 દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નિક્કી હવે પોતાના નવા ઘરમાં શિફ્ટ પણ થઈ ગઈ છે.

મનીત જૌરા-અરીહા અગ્રવાલ-છાવી પાંડે

ટીવી સિરિયલ ‘પ્રેમ બંધન’ ફૅમ મનીત જૌરાનો સૌ પહેલા કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ અરીહા અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ થયો હતો. અરીહાને તાવ સિવાય અન્ય કોઈ લક્ષણો નહોતાં. તે ઘરમાં જ આઈસોલેટ થઈ છે. આ બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિરિયલની અન્ય એક્ટ્રેસ છાવી પાંડે પણ પોઝિટિવ આવી હતી.

મયૂર વાકાણી-મંદાર ચાંદવાડકર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સુંદરનો રોલ પ્લે કરતાં મયૂર વાકાણીને ગયા મહિને બે દિવસ તાવ આવ્યો હતો. ત્યાર બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મયૂર વાકાણી અમદાવાદી SVP હોસ્પિટલમાં એડમિટ થયો હતો. 12 દિવસ બાદ તેને રજા આપવામાં આવી હતી. સિરિયલમાં ભીડે માસ્ટરનો રોલ પ્લે કરતાં મંદાર ચાંદવાડકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંદાર ઘરમાં જ આઈસોલેટ રહ્યો હતો. મંદારનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તે ટૂંક સમયમાં સિરિયલનું શૂટિંગ શરૂ કરશે.

દલજિત કૌર

ટીવી એક્ટ્રેસ દલજિત કૌરનો રિપોર્ટ માર્ચ મહિનાના લાસ્ટ વીકમાં પોઝિટિવ આવ્યો હતો. દલજિતમાં કોરોનાં લક્ષણો હતાં અને તેથી જ તે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થઈ હતી.

ગૌહર ખાન

ગયા મહિને ગૌહર ખાન કોરોના પોઝિટિવ હતી, જોકે એક્ટ્રેસ વિરુદ્ધ BMCએ પોલીસ ફરિયાદ કરી હતી. ગૌહર પર આક્ષેપ હતો કે તે કોરોના પોઝિટિવ હોવા છતાંય તેણે શૂટિંગ કર્યું હતું. સૂત્રોના મતે, કોરોના પોઝિટિવ હોવા છતાંય ગૌહર મુંબઈથી દિલ્હી ગઈ અને પછી મુંબઈ પરત ફરી. થોડા દિવસો પહેલાં ગૌહર પ્રોફેશનલ તથા પર્સનલ કામ માટે દિલ્હી ગઈ હતી. ગાઈડલાઈન પ્રમાણે, મુંબઈથી દિલ્હી સફર કરવા માટે પ્રવાસીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ગૌહરે પોતાની સાથે બે રિપોર્ટ રાખ્યા હતા. એક રિપોર્ટમાં તે નેગેટિવ હતી. માનવામાં આવે છે કે આ ફૅક રિપોર્ટ હતો. ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ મુંબઈનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં 12 માર્ચના રોજ દિલ્હી ગઈ હતી. અહીં તેણે કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ હોવાનું બતાવ્યું હતું. હવે ગૌહર ખાન કોરોના નેગેટિવ છે.

સલીલ અંકોલા

પહેલી માર્ચે સલીલ અંકોલાનો 53મો જન્મદિવસ હતો. જન્મદિવસના બીજા દિવસે સલીલ અંકોલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતના બે-ત્રણ દિવસ તે ઘરમાં રહ્યો હતો. જોકે પછી છાતીમાં દુખાવો થતાં તે હોસ્પિટલમાં એડમિટ થયો હતો. સલીલ અંકોલાને કોરોનાની સાથે સાથે ન્યૂમોનિયા પણ થયો હતો. સાતેક દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

મોહિત મલિક

જાન્યુઆરી મહિનામાં ટીવી એક્ટર મોહિત મલિકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોહિતની પત્ની અદિતિ પ્રેગ્નન્ટ છે. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ હતો. મોહિત ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યો હતો.

પારસ કલનાવત

ટીવી એક્ટર પારસ કલનાવત હાલમાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં સમર શાહના રોલમાં જોવા મળી રહ્યો છે. પારસનો કોવિડ-19નો ટેસ્ટ 12 ફેબ્રુઆરીના રોજ પોઝિટિવ આવ્યો હતો. પારસનો ટેસ્ટ પોઝિટિવ આવતાં હાલમાં સિરિયલનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. પારસ ઘરમાં જ આઈસોલેટ રહ્યો હતો.

અભિજિત સાવંત

‘ઈન્ડિયન આઈડલ’ની પહેલી સીઝનનો વિનર અભિજિત સાવંતનો રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો છે. અભિજિત ઘરમાં જ આઈસોલેટ છે.

અંકિત સિવાચ

અંકિત સિવાચે તાજેતરમાં જ સો.મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. અંકિતે ‘રિશ્તો કા ચક્રવ્યૂહ’માં અધિરાજ પાંડેનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં જે સિરીઝ ‘ઈશ્ક મૈં મરજાવા 2’માં વ્યોમના પાત્રમાં જોવા મળે છે. અંકિત ઘરમાં જ આઈસોલેટ છે.

કરન જોતવાણી

મોડલ તથા ટીવી એક્ટર કરન જોતવાણીનો પાંચ દિવસ પહેલાં જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરન સિરિયલ ‘કૈસી યે યારિયાં’માં શ્યામના રોલમાં જોવા મળ્યો હતો. તેણે ‘આપ કે આ જાને સે’માં સાહિલ અગ્રવાલનો રોલ કર્યો હતો. તેણે ‘કૂરબાન હુઆ’માં લીડ રોલ નીલકંઠ ભટ્ટનું પાત્ર ભજવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here