કેવડિયા : 17 ઓગસ્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી CISF સંભાળશે, કેન્દ્રીય ગૃહમંત્રીની મંજૂરી, 1 સપ્ટે.થી SOU ખુલવાની શક્યતા

0
2

રાજપીપળા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે CISFના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 17 ઓગસ્ટથી CISFને તૈનાત કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે CISFના 270 જવાનો ખડેપગે રહેશે. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહેલી સપ્ટેમ્બરથી ખુલવાની શક્યતાઓ વધી ગઇ છે.

PM મોદીના 31 ઓક્ટોબરના આગમનને લઇને તૈયારી શરૂ

અત્યાર સુધી SRP જવાનો અને નર્મદા પોલીસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી સાંભળી રહી હતી. કોરોનાને કારણે આ સુરક્ષાને લંબાવાઇ હતી. જોકે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની શક્યતા વધતા સુરક્ષા વધારવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે CISFને સોંપવામાં આવી છે. 31 ઓક્ટોબરના PM નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવવાના હોવાથી તેના ભાગરૂપે પણ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

CISF માટે કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વાહનો સહિતની સુવિધાઓ તૈયાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ સીઇઓ નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સંવેદનશિલતાને ધ્યાને રાખીને ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલયે CISFના ડિપ્લોયમેન્ટ મંજૂર કર્યું છે. તેના માટે કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વાહનો સહિતની સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે. બહુ જલ્દી ડિપ્લોયમેન્ટ સેરેમની કરવામાં આવશે પછી ઔપચારીક રીતે CISF સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેન્ડ ઓવર લઇ લેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 270 જવાનો તૈનાત થશે. અને આસપાસના સરદાર સરોવર ડેમ સહિતના સ્થળોએ SRP તૈનાત રહેશે.