અમદાવાદ : હવેથી પાન-મસાલા લાઈવ નહીં પણ પાર્સલ જ મળશે, ભીડ અને પાન-મસાલા પીચકારીનો પ્રશ્ન ઉકેલવા નિર્ણય

0
10

અમદાવાદ. શહેરમાં 13 જુલાઈએ જાહેરમાં થૂંકનારને ફટકારવામાં આવતી દંડની રકમ 200થી વધારી રૂ. 500 કરી છે, જ્યારે પાનના ગલ્લાવાળાઓ પણ દુકાન પાસે ગ્રાહકોને થૂંકતા નહીં રોકે તો તેમને 10 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓને દંડ ફટકરી અને નોટિસ આપી બંધ કરાવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને પગલે આજે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશને એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું કે, આવતીકાલથી દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં આવશે નહીં. ગ્રાહકોને પાન-મસાલાના પાર્સલો આપવામા આવશે. જેને કારણે હવે ભીડ કે સોશિયલ ડિસ્ટન્સિગનો પ્રશ્ન પણ હલ થઈ જશે.

ત્રણ દિવસ પહેલા AMCએ 500 ગલ્લા સીલ કર્યાં

ત્રણ દિવસ પહેલા મ્યુનિ. તંત્ર દ્વારા ઝુંબેશના પહેલા દિવસે 376 જેટલા પાનના ગલ્લા સીલ કરી દેવાયા હતા. ત્યાર બાદ બીજા દિવસે 130 જેટલા પાનના ગલ્લા સીલ કરી દીધા હતા. શહેરમાં 506 જેટલા મોટા ગલ્લા સીલ કરી દેવામાં આવતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. લગભગ તમામ વોર્ડના મુખ્ય કાર્યકરોની બેઠક આવા કોઈ પાનના ગલ્લે હોય જ છે અથવા તો ગલ્લાના માલિકો સાથે તેમને સંબંધો હોય છે. આ સ્થિતિમાં શહેરમાં તમામ વિસ્તારમાંથી રાજકીય અગ્રણીઓ પર ભારે દબાણ ઊભું થયું હતું. ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના પણ કેટલાક અગ્રણીઓ દ્વારા પાનના ગલ્લા સામેના અભિયાનમાં રાજકીય રીતે દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આ દબાણને પગલે જ મંગળવાર સવારથી જ મ્યુનિ. ટીમ દ્વારા પાનના ગલ્લાઓ સામે થતી કાર્યવાહીને બંધ કરી દેવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here