રાજકોટ : 1 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર સિરીયલ કિલર નિલયની ધરપકડ,

0
11

રાજકોટઃ 1 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર સિરીયલ કિલર નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો નિલય બ્લેડથી હત્યા કરવાની ટેવવાળો છે અને 6 જેટલી હત્યાને અંજામ આપ્યો હતો. સાથે જ 26 જેટલા અન્ય ગુનાઓને પણ કર્યા હતા.

રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 2 હત્યાને અંજામ આપ્યો હતો

રાજકોટમાંથી સિરીયલ કિલર નિલય મહેતા પેરોલ જમ્પ કરીને ફરાર થઈ જતા ચકચાર મચી હતી. નિલય મહેતા પર 6 જેટલી હત્યાનો આરોપ છે. આરોપી રૂપિયા 500થી 700 જેવી નજીવી રકમ માટે આંખના પલકારામાં ગળું કાપીને ક્રૂર હત્યા કરતો હતો. જેમાં તેણે રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 2 હત્યાને અંજામ આપ્યો હતો અને આ હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો હતો. જેમાં પેરોલ પર છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. છેલ્લા એક વર્ષથી સિરીયલ કિલરને શોધતી પોલીસને સફળતા મળી હતી.

નિલય કેવી રીતે સિરીયલ કિલર બન્યો

ખૂંખાર સિરીયલ કિલર નિલયના પિતા રાષ્ટ્રીય શાળામાં ખાદી વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. નિલય પણ મહાત્મા ગાંધીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં ધોરણ 10 સુધી ભણ્યો હતો. અભ્યાસમાં રૂચી ન હોવાથી ભણવાનું બંધ કરી સવારે અખબાર વિતરણ અને બાકીના સમયમાં વોચકેસના કારખાનામાં નોકરી શરૂ કરી. વોચ કેસના કારખાનામાં સાથે કામ કરતા હુશેન ભીખુભાઇ બેગ સાથે ગાઢ મિત્રતા થઇ હતી. હુસેનને કારખાનામાં સાથે કામ કરતા પરેશ રાઠોડ સાથે દુશ્મની હતી. મિત્ર હુશેનના ડખામાં નિલયે એક દિવસ પરેશને છરીના ઘા મારીને પૂરો કરી નાખ્યો. 23 મહિનાના જેલવાસ પછી પૂરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયો પરંતુ છૂટ્યા પછી તેણે વાહનચોરી શરૂ કરી અને દારૂ, ચરસના રવાડે ચડી ગયેલો નિલય સિરીયલ કિલર બની ગયો હતો.

વૃદ્ધાની હત્યામાં સિરીયલ કિલરને પ્રેમિકાએ સાથ આપ્યો હતો

19 માર્ચ 2013ના રોજ રાજકોટના પંચરત્ન કોમ્પલેક્સમાં વિમલેશકુમારી કૃષ્ણગોપાલ વાર્સન (ઉ.વ.78)ની લૂંટના ઈરાદે હત્યા થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરતા સિરીયલ કિલર નિલય દ્વારા કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં તેની પ્રેમિકાએ પણ સાથ આપ્યો હતો. પોલીસ તેની પ્રેમિકાને દબોચી લેતા આખી ઘટના પરથી પડદો ઉંચકાયો હતો.

2015માં નિલયનું લોકેશન મળ્યું હતું

પ્રેમિકાની પૂછપરછ અને અંગત બાતમીદારો દ્વારા બે વર્ષે અટલે કે વૃદ્ધાની હત્યાના બે વર્ષે સિરીયલ કિલર નિલયનું લોકેશન મળ્યું હતું. ઢાબા પર નોકરી કરતા નિલયને પકડવા માટે પોલીસે વેશ પલટો કરી વોચ ગોઠવી હતી અને નિલયની ધરપકડ કરી હતી. પોલીસે નિલયને ગાડીમાં બેસાડી દેવાયેલા નિલયના બન્ને હાથમાં હાથકડી નાખી દીધી હતી છતાં નિલય પોતાનો હાથની બે આંગડી મોઢામાં નાખવાનો પ્રયાસ કરી રહ્યો હોવાથી પોલીસને કંઇક શંકા ગઇ. બે હાથે મોઢુ પકડીને જડબુ ખોલતા નિલયના બન્ને ગલોફામાં બ્લેડ જોઇને પોલીસ ચોંકી ઉઠી. કસાઇ જાનવરને હલાલ કરે એ રીતે કોઇ પણ વ્યક્તિનું ગળુ કાપી નાખતા નિલય હંમેશા બન્ને ગલોફામાં બ્લેડ રાખતો હતો. અને તક મળતા જ બ્લેડ કાઢીને હુમલો કરતો હતો. નિલય પકડાઇ જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને નિલયને રાજકોટ લવાયો હતો.

સિરીયલ કિલરની સાથે તેની પ્રેમિકાને પણ આજીવ કેદ ફટકારી હતી

રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 2 હત્યાને અંજામ આપનાર નિલય અને તેની પ્રેમિકાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 1 વર્ષ પહેલાં નિલય પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. સિરીયલ કિલર વધુ હત્યાઓને અંજામ ન આપે તે માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુના

પ્રોહિબિશનનો એક ગુનો
અકસ્માતનો એક ગુનો
લૂંટ તથા પ્રયાસના બે ગુના
મારામારીનો એક ગુનો
ચોરીના 21 ગુના
હત્યાના 6 ગુના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here