રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 : નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પાસેથી ફન્ડિંગ ડુપ્લિકસી પર પણ રોક લાગશે, યુનિવર્સિટીઓમાં રિસર્ચ પર ફોકસ વધશે

0
3

નવી દિલ્હી. રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2020 હેઠળ આગામી 15 વર્ષમાં કોલેજોને યુનિવર્સિટીઓ દ્વારા માન્યતા આપવાની સિસ્ટમ સંપૂર્ણપણે ખતમ થઇ જશે. વર્ષ 2035 સુધીમાં દેશની તમામ કોલેજો સ્વાયત્ત કરી દેવાશે. મતલબ કે કોલેજો તેમના અભ્યાસક્રમ, પરીક્ષા વગેરેનું જાતે જ સંચાલન કરશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી યુનિ.ઓમાં રિસર્ચ પર ફોકસ વધશે.

યુજીસીના ઉપાધ્યક્ષ ડૉ. ભૂષણ પટવર્ધન અને શિક્ષણનીતિની ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય, બિરસા એગ્રીકલ્ચર યુનિ.ના ચાન્સેલર ડૉ. આર. એસ. કુરીલે જણાવ્યું કે આ શિક્ષણનીતિથી રિસર્ચના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે, જે ઉચ્ચ શિક્ષણની દિશા બદલી નાખશે, કેમ કે યુનિ.ઓ પરીક્ષા લેવડાવવાનાં મશીન બની ગઇ હતી. તેમનો 70% સમય કોલેજોની પરીક્ષાઓમાં ખર્ચાય છે. કોલેજોને સ્વાયત્તતા મળવાથી યુનિ.ઓ પરનો બોજ ઘટશે અને તેઓ રિસર્ચ પર ધ્યાન આપી શકશે.

નિષ્ણાતોના મતે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરએફ) અને હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા (એચઇસીઆઇ)ની રચના પણ મોટું પગલું છે. ભારત હાલ રિસર્ચ-ઇનોવેશન પાછળ જીડીપીના 0.69% જેટલી રકમ જ ખર્ચે છે જ્યારે અમેરિકામાં તેની પાછળ જીડીપીના 2.8%, ઇઝરાયલમાં 4.3% અને દ.કોરિયામાં 4.2% રકમ ખર્ચાય છે.

યુજીસી, એઆઇસીટીઇ બંધ નહીં થાય

નિષ્ણાતોના કહેવા મુજબ એચઇસીઆઇની રચના બાદ યુજીસી અને એઆઇસીટીઇ જેવી સંસ્થાઓ બંધ નહીં થાય. તે અગાઉની જેમ જ કામ કરતી રહેશે. માત્ર કોલેજો સંબંધી કામ એચઇસીઆઇને સોંપાઇ શકે છે. જોકે, અંતિમ નિર્ણય સરકાર લેશે. એક્રેડિટેશન, ફન્ડિંગ, રેગ્યુલેશન જેવાં મહત્ત્વના કામ એચઇસીઆઇ કરશે.